વલસાડઃ કેન્દ્ર સરકાર દ્વારા પોસ્ટ ઓફિસમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સહિત નવી નવી યોજનાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ પૈકી ગત વર્ષોમાં ગંગોત્રી પ્રોજેક્ટ અંતર્ગત લોકોને દરેક પોસ્ટ ઓફિસમાંથી ગંગાજળ મળી રહે તે માટે એક વિશેષ વ્યવસ્થાનુ આયોજન કરાયું હતું. આ વર્ષે પણ શ્રાવણ માસમાં પોસ્ટ ઓફિસમાં ગંગાજળની બોટલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. વલસાડ જિલ્લામાં શ્રાવણ માસમાં કોરોનાના કાળ દરમિયાન પણ ૧૪૭ જેટલી બોટલોનું વેચાણ થયું છે.
જોકે હાલમાં પોસ્ટ ઓફિસમાં 355 જેટલી બોટલ સ્ટોકમાં પડી છે. 200 mlની બોટલની કિંમત 30 રૂપિયા છે. હાલમાં વલસાડ હેડ પોસ્ટ ઓફિસમાં ગંગાજળની બોટલો આસાનીથી મળી રહે છે. વલસાડ શહેરના સિનિયર પોસ્ટમાસ્ટર એમ.એમ રાઠોડે જણાવ્યું કે, કોરોનાની મહામારી દરમિયાન પણ જેવો જાણીતા છે તેઓ શ્રાવણ માસમાં ગંગાજળ મહાદેવ ઉપર અભિષેક કરવા માટે લઈ જતા હોય છે અને જેથી કરીને જ આ વર્ષે પણ લોકોએ ખરીદી કરી છે પરંતુ ગત વર્ષ કરતા આ વર્ષે લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, પોસ્ટ ઓફિસમાં વેચાણ અર્થે ઋષિકેશ અને ગંગોત્રી એમ બે જગ્યા ઉપરથી ગંગાજળની બોટલો વેચાણ અર્થે આવે છે. આ વર્ષે ગંગોત્રી પાસેથી ગંગાજળની બોટલો વલસાડ પોસ્ટ ઓફિસમાં પહોંચી છે અને તેનું વેચાણ હાલમાં પણ કાર્યરત છે. લોકોને જાણકારી મળે તે માટે પોસ્ટ ઓફિસની બહાર વિવિધ સાઇનબોર્ડ મારવામાં આવ્યા છે.
મહત્વનું છે કે, શ્રાવણ માસમાં દેવાલયોમાં શિવજી ઉપર જળાભિષેકનું ખૂબ મહત્વ છે અને એમાં પણ ગંગા જળ ચડાવવું એ શ્રાવણ માસમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. જેથી લોકો અહીં પોસ્ટ ઓફિસમાંથી પણ ગંગાજળની ખરીદી કરી રહ્યા છે.