વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે ગાંધી પદયાત્રા, સાફ-સફાઈ અભિયાન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ધરમપુરમાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની કચેરી ખાતે જાયન્ટસ ગૃપ વલસાડના સહયોગથી ગાંધી લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલે ખાસ હાજરી આપી હતી અને તેમના હસ્તે ગાંધીજીની પ્રતિમા આગળ દિપ પ્રાગટ્ય કરી સુતરની આંટી પહેરાવી ગાંધી લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જ્યોતિબા ગોહિલે જણાવ્યું હતું કે આજના સમયમાં પણ ગાંધીજીના આદર્શો અને વિચારો સમાજ માટે ખૂબ જ ઉત્તમ છે અને આવા વિચારો માત્ર પુસ્તકો થકી જ લોકોને મળી શકે એમ છે તેથી આવી લાઇબ્રેરી વાંચનપ્રિય લોકો માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે એમ છે. આ ઉપરાંત તેમણે આ લાઈબ્રેરી પરથી ગાંધીજીની વિચારધારાને લગતા કેટલાક પુસ્તકોની ખરીદી કરી હતી તો સાથે સાથે ખાદીના કાપડ પણ ખરીદ્યા હતા.
આ ગાંધી લાઇબ્રેરીમાં અંદાજિત 700 જેટલા પુસ્તકો છે જે તમામ મહાત્મા ગાંધીજીને લગતા મૂલ્યો, કેળવણી તેમજ તેમના આદર્શોનું સિંચન કરી શકે છે.
નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન લાઇબ્રેરીના દાતા જાયન્ટસ ગૃપના ધીરેનભાઈ સોલંકી, સહિત ધરમપુરના મામલતદાર એચ એ પટેલ, ધરમપુર પોલીસ મથકના PSI એ એન ગોહિલ, ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપભાઈ સોલંકી, લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના ગ્રામશિલ્પી તરીકે જાણીતા બનેલા નીલમભાઈ પટેલ, પ્રોફેસર આશાબેન ગોહિલ, હાર્દિકભાઈ પટેલ સહિત અનેક ગાંધીવાદી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.