વલસાડઃ જિલ્લાના અંતરિયાળ એવા કપરાડા તાલુકાના ઓઝરડા ગામે આવેલા પ્રાથમિક સ્કૂલમાં આજે આસપાસના ફળીયામાં રહેતા નાના બાળકો જે ઓ વગર ચપ્પલ પહેરી ફરતા હોય અનેક નાની મોટી ઈજાઓ પગમાં થતી હોય છે. કેટલાક પરિવાર તો એવા હોય કે બાળકો માટે કપડાં ન લઈ શકતા હોય તો ચપ્પલ તો ક્યાંથી લઈ શકે આવા જરૂરિયાત મંદ 60થી વધુ બાળકોને લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ અને પર્યાવરણ રક્ષક સમિતિના સભ્યો દ્વારા સ્લીપર વિતરણ કરવામાં આવ્યું હતું.
પર્યાવરણ રક્ષક સમિતિના મયંકભાઈ પટેલ, કલ્પેશભાઈ ચૌધરી અને વિશાલભાઈએ પોતે તમામ બાળકોને પોતાના હાથથી સ્લીપરો પહેરાવી અને દરેક બાળકોને પગમાં સ્લીપર પહેરીને જ બહાર નીકળવા માટેની સલાહ પણ આપી હતી. આ સાથે તમામ બાળકોને બિસ્કિટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે, ગ્રામીણ કક્ષાએ ચોમાસા દરમિયાન સર્પદંશના કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે ખુલ્લા પગે ખેતરોમાં ફરતા બાળકો માટે સ્લીપરો પહેરીને ફરવું ખૂબ જરૂરી છે. આજે નાના ભુલકાઓને સ્લીપર આપતા તમામના મુખે એક અનેરી ખુશી જોવા મળી હતી.