વલસાડઃ નજીકમાં આવેલ છરવાડા ગામમાં છેલ્લા કેટલાક સમયથી એક દીપડો આવી ચડયો હતો. જેને લઇને ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. આ અંગે ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગમાં અધિકારીને જાણકારી આપવામાં આવતા તેમણે આ દીપડાને પકડવા માટે પીંજરુ મૂક્યું હતું. ગઇકાલે મોડી રાત્રે આ પિંજરામાં મુકવામાં આવેલું મારણ કરવા આવતા દીપડો પાંજરે પુરાયો .છે જેને લઇને ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
વલસાડ તાલુકાના છરવાડા ગામે છેલ્લા કેટલાક સમયથી આવી ચડેલા એક દીપડાએ આતંક મચાવ્યો હતો. નજીકના કેટલાક ગામોમાં પાલતુ પશુઓને તેણે પોતાનું મારણ બનાવ્યું હતું. આ ઘટનાને લઈને ગ્રામજનોમાં દહેશતનો માહોલ હતો લોકો મોડી રાત્રે ઘરની બહાર પણ નહોતા નીકળી શકતા ત્યારે આ અંગે જંગલ વિભાગના અધિકારીઓને જાણકારી મળતાં તેમણે આ દીપડાને પકડવા માટે છરવાડા ગામમાં હાંસલ ફળિયામાં એક પાંજરૂ ગોઠવ્યું હતું. જેમાં ગત મોડીરાત્રે પિંજરામાં મુકેલો મારણ કરવા આવતા આ દીપડો પાંજરામાં પૂરાયો હતો.
આ ઘટનાની જાણ થતા દીપડાને જોવા માટે ગામના લોકો ઉમટી પડ્યા હતા જો કે વહેલી સવારે આ પીંજરુ અને દીપડો બંનેને ચનવાઈ ખાતે આવેલા વન ચેતના કેન્દ્ર માં લઇ જવાયો છે. નોંધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી છરવાડાગામ અને તેની આસપાસના અન્ય ગામોમાં આ દીપડાને લઈને ભયનો માહોલ ફેલાયો હતો. હાલ તે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે