પાટણ: રાધનપુર નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. જેમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ભારે રસાકસી જોવા મળી હતી. ત્યારે ચાણસ્મા, હારીજ અને રાધનપુરની ચૂંટણીઓમાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડી ગયું છે. 3 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પોતાનો વિજય ધ્વજ લહેરાવીને કોંગ્રેસને હારનો સ્વાદ ચાખવા મજબૂર કરી હતી.
ભાજપે જીતનો ડંકો વગાડ્યો: રાધનપુર નગરપાલિકા 28 બેઠકોમાંથી ભાજપે 25 બેઠકો જીતી લીધી હતી, ત્યારે કોંગ્રેસે 3 બેઠકો જીતી શકી હતી. વોર્ડ નંબર 3થી વોર્ડ નંબર 7માં ભાજપ પેનલે વિજયનો ડંકો વગાડી દીધો હતો, વોર્ડ નં 1માં ભાજપે 3 અને કોંગ્રેસના ફાળે 1 બેઠક ગઈ હતી. જ્યારે વોર્ડ નં 2માં ભાજપ 2 અને કોંગ્રેસ 2 બેઠકો મેળવી હતી.
ભાજપે JCB પર વરઘોડો કાઢ્યો: હારીજ અને રાધનપુર પાલિકાની 7 રાઉન્ડમાં અને ચાણસ્મા પાલિકાની 6 રાઉન્ડના મતગણતરીના અંતે કમળ ખીલતા કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. ભાજપની જીતની સાથે જ રાધનપુર શહેરમાં ભાજપે JCB પર વરઘોડો કાઢ્યો હતો. જેને જોવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી હતી. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે કરેલો ડાન્સ લોકોને ખૂબ જ પસંદ પડ્યો હતો.
કોંગ્રેસ શહેર પ્રમુખે રાજીનામુ આપ્યું: રાધનપુર, ચાણસ્મા અને હારીજ પાલિકા ભાજપે કબજે કરીને પેટા ચૂટણીમાં ભાજપે દબદબો જાળવી રાખ્યો હતો. પાટણમાં ભાજપના ગઢ ગણાતાં ચાણસ્મા અને હારીજ તેમજ કોંગ્રેસનો ગઢ બનેલા રાધનપુર પાલિકામાં સત્તા પરિવર્તન થવાની શરુઆત થઈ ગઈ છે. કોંગ્રેસની હાર થતાની સાથે જ રાજીનામાનો દોર શરુ થઈ ગયો છે. ત્યારે રાધનપુર કોંગ્રેસ શહેર પ્રમુખ ડો. વિષ્ણુ ઝૂલાએ રાજીનામુ આપી દીધું હતું. ડો. વિષ્ણુ ઝૂલાના પત્ની વોર્ડ નંબર 3મા ઉમેદવાર હતા. જેમની હાર સહન ન થતા રાજીનામુ આપ્યું હતું. તેમણે રાધનપુરમાં કોંગ્રેસની હારની જવાબદારી સ્વીકારી હતી.
આ પણ વાંચો: