- ડુંગરી ગામે લગ્નપ્રસંગે કોવિડ-19 ફ્લાઇંગ સ્ક્વોડ ટીમ ત્રાટકી
- સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા 3000નો દંડ
- અંબાચ ગામે 12 જેટલા દુકાનદારોને પણ દંડ
પારડીઃ પારડી નજીક ફલાઇંગ સ્કવોડ ખડકી ડુંગરી અને અંબાચ ખાતે ચેકિંગ માટે ગઈ હતી. ડુંગરીમા એક લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાયેલું જોવા ન મળતા 3000 રૂપિયા દંડ વસૂલવામાં આવ્યો હતો. જ્યારે અંબાચ ગામે આકસ્મિક ચેકિંગ કરવા પહોંચેલી કોવિડ-19 સ્કોડના હાથે 12 દુકાનદારો ઝડપાઈ ગયા હતા. આ દુકાનદાર દીઠ 1000 રૂપિયા મળી 12000નો દંડ વસૂલવામાં આવ્યો હતો. તેમજ નાયબ મામલતદાર હીતેશ પટેલે દરેકને કોવિડ-19 અંગેના નિયમોની વિસ્તૃત જાણકારી આપી હતી
ઉલ્લેખનીય છે કે, લગ્ન પ્રસંગે કે અન્ય કોઈ પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ અને સંક્રમણ ન ફેલાય તેવા હેતુથી જિલ્લામાં ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ ફલાઇંગ સ્કવોડ લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, સામાજીક પ્રસંગમાં આકસ્મિક ચેકીંગ હાથ ધરી કાર્યવાહી કરે છે. જિલ્લામાં હાલના સંજોગોમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળેલ છે. પારડી તાલુકામાં કોવિડ -19 ની પ્રવર્તમાન જોગવાઇઓ અને માર્ગદર્શિકાઓનું ચુસ્ત પાલન કરાવવા માટે ફ્લાઈંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. આ સ્કવોડ ટીમ દ્વારા કોઇપણ સંજોગોમાં નિયત નિયમો, જાહેરનામાઓ અને સરકારની માર્ગદર્શિકાનો ભંગ કરેલ જણાય તો સરકાર તરફથી જે દંડની જોગવાઇ કરેલી છે. તે મુજબ દંડ વસુલવાની કામગીરી કરે છે.