દમણઃ દેશભરમાં કોરોના વાઈરસના કારણે લોકડાઉન લાગુ કરાયું છે, ત્યારે મજૂરી કામ માટે નીકળેલા લોકો જે-તે સ્થળે અટવાઈ પડ્યાં હતા. તેથી તેમણે પોતાના વતન પરત ફરવા પગપાળા યાત્રા શરૂ કરી હતી, પરંતુ કોરોનાના વધતા સંક્રમણને પગલે સરકારે પોલીસને પગપાળા જતા કે, વાહનોમાં જતાં લોકોને જે-તે સ્થળે જ અટકાવી દેવાની સૂચના આપી હતી.
વલસાડ પોલીસે હાઈ-વે પર વાહનો સહિત પગપાળા જતાં લોકોને રોકી તેઓને માટે અનેક સંસ્થાઓ સાથે મદદરૂપ પણ થઈ રહી છે.
રોજનું રળીને ખાતા મજૂર પરિવારોને ઘરે જવા માટે મજબૂર બન્યાં છે. જેમને ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર કલેક્ટરના આદેશ મુજબ ભીલાડ પોલીસે અટકાવી દીધા છે.
મજૂર પરિવારો માટે હવે ખાનગી સેવાભાવિ સંસ્થાઓના સાથ સહકારથી ભીલાડ પોલીસ આગળ આવી છે. ભીલાડ પોલીસે ઉમરગામ તાલુકાના રોટરી ક્લબ, શ્રમણ સેવા ગ્રુપ, જૈન એલર્ટ ગ્રુપ ઓફ ઇન્ડિયા, વિસા ઓસ્વાલ સેવા સમાજ અને જૈન સોશ્યલ ગ્રુપ સાથે મળીને સેવા કાર્ય હાથ ધર્યું છે.
આ સંસ્થાઓ મજૂર પરિવારોને સવાર બપોર અને સાંજ એમ ત્રણેય ટાઈમ માટે ભોજનની વ્યવસ્થા કરી આપી છે. સંસ્થાઓ છેલ્લા સાત દિવસથી બોર્ડર પરથી આવતા જતા પગપાળા લોકોને નંદીગ્રામ નજીક આશરો આપીને તેમના માટે ભોજન પાણીની વ્યવસ્થા કરી રહ્યું છે. આ ખાનગી સંસ્થાઓ પોલીસ સાથે મળીને રોજના 150થી 200 લોકોને સેવા પૂરી પાડી રહ્યાં છે.
આ સાથે સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા મજૂર પરિવારોને કોરોના વાઇરસ પ્રત્યે માર્ગદર્શન આપીને તેમને સોશિયલ ડિસ્ટન્સ પ્રત્યે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. તેમજ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામનું ચેકઅપ કરીને તેમને માસ્કનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યના પોલીસ અધિક્ષક દ્વારા દરેક જિલ્લા પોલીસને સૂચન કરવામાં આવ્યું હતું કે, તેમના જિલ્લામાંથી હાઈવે ઉપરથી પસાર થતાં વાહનો અને પગપાળા પસાર થતા લોકોને પણ જે-તે સ્થળે જ અટકાવી દેવામાં આવે. જેને અનુલક્ષી વલસાડ પોલીસે પણ નંદીગ્રામ નજીક મુંબઈથી સુરત તરફ જતા લોકોને અટકાવી દીધા હતા.
કોરોનાના વધતાં જતા કહેરના કારણે રાજ્ય સરકાર ખૂબ જ ગંભીરતા સાથે ઉદારી પણ દાખવી રહી છે અને એટલે જ ખાનગી સંસ્થાઓ સાથે મળીને હજારો પરિવારોને સાચવવવાની જવાબદારી પણ ઉઠાવી રહી છે, જે બિરદાવવા લાયક પણ છે.