- ધરમપુર અને કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં પડ્યો વરસાદ
- બપોર બાદ અચનાક વરસાદ પડતા વાતવરણમાં ઠંડક પ્રસરી
- કમોસમી વરસાદને પગલે તુવેર, ચણા, વાલ જેવા પાકોને ભારે નુકસાન
વલસાડ: જિલ્લામાં કપરાડા અને ધરમપુર તાલુકમાં આજે રવિવારે બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો. ત્યારબાદ, ધોધમાર વરસાદ થતા રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. જોકે, કમોસમી વરસાદને પગલે આંબાવાડી ધરાવતા ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે.
આ પણ વાંચો: સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં વરસ્યો કમોસમી વરસાદ
આંબાવાડી અને કઠોળના પાક લેતા ખેડૂતોમાં ચિંતાનું મોજું
કપરાડા તાલુકાના અનેક ગામોમાં કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે, ધરમપુરના પીંડવળ, ઉલાસ, પીંડી, વાઘવડ અને કપરાડાના માલઘર, સુથારપાડા, મોટી પલસન, જેવા અનેક ગામોમાં વરસાદની એક કલાક સુધી હેલી જોવા મળી હતી. જેને પગલે, કઠોળનો પાક જે હાલ તૈયાર થઇને ગરમીમાં સૂકવવા માટે ખેતરોમાં કે ઘર આંગણે મુકવામાં આવ્યો હોય તે તમામ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. કારણ કે, કમોસમી વરસાદથી તેમના પાકમાં નુકસાન થવાની દહેશત વર્તાઈ રહી છે. તો બીજી તરફ, આંબાવાડી ધરવતા ખેડૂતો પણ મુઝવણમાં મુકાયા હતા. આમ, વાદળછાયા વાતાવરણ અને વરસાદ કેરીના પાકને સીધી અસર કરે છે.
આ પણ વાંચો: જામનગરના કાલાવડ પંથકમાં વરસાદ ખાબક્યો, ધરતીપુત્રો ચિંતાતુર