સમાજમાં પરણિત યુવક હોય કે યુવતી બંન્ને લગ્નેતર પ્રેમ સંબંધમાં સમાજ એક અલગ નજરથી જ જોતો હોય છે. તેવી જ વલસાડ જિલ્લામાં પણ એક પ્રેમકથાનો મંગળવારે કરુણ અંજામ આવ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુરના બામટી ગામે રહેતા હિતેશભાઈ પટેલ જે 2 સંતાન સાથે એક પરણિત જીવન જીવે છે. તેઓ કડીયા કામ મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા, જ્યારે કપરાડા તાલુકાના વારોલી તલાટ ગામની કાંકડુંબેન જયંતીભાઈ પવાર જેઓને લગ્ન બાદ પણ કોઈ સંતાન ન હતું. તેમના પતિ જયંતીભાઈ વાપીની કંપનીમાં કામ કરતા હતા. તો કાંકડુંબેન તેમના પિયર ધરમપુર ખાતે રહી કડીયા કામમાં મજૂરી કરવા માટે જતી હતી, ત્યારે કાંકડુંબેન અને હિતેશભાઈની આંખ મળી ગઈ હતી.
બંને એક બીજાના ગળાડુબ પ્રેમમાં હતા. બંનેએ અલગ થઈ જીવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હિતેશભાઈને 2 સંતાન હોવાથી સમાજ તેમને લાંછન લગાવશે તેવા ડરથી બંને સોમવારે માન નદી કિનારે મળ્યા અને બન્નેએ કાયમ માટે એક થવા માટે આ સમાજના બંધનો અને નીતિ નિયમોવાળી દુનિયાને અલવીદા કહેવાનું નક્કી કરી નદી કિનારે આવેલી આંબાવાડીમાં આંબા ઝાડ ઉપર એક જ દોરડા ઉપર બંને એક બીજાને આલિંગન આપી એક સાથે આત્મહત્યા લીધી હતી.
મંગળવારે વહેલી સવારે અહિંથી પસાર થતા સ્થાનિકે બંને પ્રેમી યુગલના દોરડા ઉપર લટકેલા મૃતદેહ જોઈ ધરમપુર પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની જાણકારી વાયુ વેગે પંથકમાં થતા તેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.