વલસાડઃ જિલ્લામાં 36 હજાર હેકટરમાં કેરીનો પાક લેવામાં આવે છે. જિલ્લામાં વલસાડી હાફૂસ, કેસર, તોતાપુરી, લંગડો, પાયરી જેવી કેરીનું મબલખ ઉત્પાદન થાય છે. હાલ જિલ્લાની તમામ આંબાવાડીઓ કેરીના મબલખ પાકથી ઝૂલી રહી છે. પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. વલસાડ જિલ્લામાં ઉમરગામ તાલુકાના ધારાસભ્ય અને રાજ્યપ્રધાન રમણ પાટકર પોતે પણ ખેડૂત છે. અને તેમના પરિવારની આંબાવાડીઓમાં અંદાજિત 10 હજાર મણ કેરી તૈયાર થવા આવી છે. ત્યારે, પોતે ખેડૂત હોવાના નાતે જિલ્લાના ખેડૂતોની ચિંતા સેવી જણાવ્યું હતું કે, હાલમાં લોકડાઉનના કારણે બાગાયતી પાકના ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે.
અખાત્રીજ પછી માર્કેટમાં કેરી આવવાની આશા કોરોના આપદામાં વેપારીઓને આર્થિક નુકસાન થયું છે. દક્ષિણ ગુજરાતમાં કેરી અને શાકભાજીને ખૂબ જ મોટાપાયે નુકસાન થઈ રહ્યું છે. અખાત્રીજથી દર વર્ષે રાબેતા મુજબ કેરી માર્કેટમાં આવતી હોય છે. પરંતુ આ વખતે લોકડાઉનના કારણે માર્કેટ યાર્ડ હજુ ખુલ્યા નથી. બીજી તરફ મજૂરો વતન જતા રહ્યા છે જેને કારણે આંબા પરની કેરી સમયસર ઉતારી શકાય નથી.
અખાત્રીજ પછી માર્કેટમાં કેરી આવવાની આશા ઉલ્લેખનીય છે કે, લોકડાઉન અને કોરોના મહામારીના આ દિવસોમાં ખેડૂતો પણ જાગૃત બન્યાં છે. ગામડાઓમાં કોઈપણ બહારના વ્યક્તિને પ્રવેશ આપવા દેવામાં આવતો નથી. આવા સંજોગોમાં કેરીના ખરીદદાર કેરી લેવા ફરકયા નથી. વલસાડ જિલ્લામાં મોટાભાગે યુપી બિહારના વેપારીઓ બે માસ અગાઉ જ જિલ્લામાં પડાવ નાખી આંબાવાડીઓમાં તૈયાર થયેલ પાકને ખરીદી લેતા હોય છે. જે બાદ સ્થાનિક અને પરપ્રાંતીય મજૂરો દ્વારા તેને ઉતારી નજીકના માર્કેટમાં તેમજ વિદેશોમાં મોકલે છે. પરંતુ લોકડાઉનમાં તમામ લોકો વતન જતા રહ્યા હોય અને વેપારીઓ ફરકયા ના હોય તેથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હવે 26મી એપ્રિલના રોજ આવનાર અખાત્રીજ પર સૌ કોઈ મીટ માંડીને બેઠું છે.