વલસાડ જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર જાહેર કરી ધોરણ 6 અને 9 સહિતમાં 100થી ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને બંધ કરી નજીકના 1 કિલોમીટરની ત્રિજ્યામાં આવતી અન્ય શાળાઓમાં સંયોજનના માટે અધ્ધરતાલ સર્વે કરી દેવાયો છે. આ સંયોજનના કારણે વાલીઓને અને વિદ્યાર્થીઓને મુશ્કેલી પડે તેમ છે. ઉપરાંત શાળામાં આવતા બાળકો તેમાંય ખાસ કરી વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ રેશિયો વધી જાય તેવી શક્યતાઓ છે. વિદ્યાર્થીઓને વધારે ચાલીને શાળાએ પહોંચવાની સ્થિતિ ઉપસ્થિત થાય તેમ છે.
સરકાર દ્વારા વલસાડની 164 શાળાઓનો સર્વે કરી તેના સંયોજનનો નિર્ણય કરાયો છે. જેની સામે શિક્ષકો દ્વારા પણ વિરોધ કરાવામાં આવ્યો હતો. સ્થાનિક ધારાસભ્ય જીતુ ચૌધરીને આવેદનપત્ર આપી આ સંયોજન અટકાવવા માંગણી કરાઈ છે. આ સમગ્ર બાબતે ધારાસભ્યએ આ નીતિને શિક્ષણ માટે ખૂબ ખોટો નિર્ણય ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, શિક્ષણની ભૂખ માટે શાળાઓ ખોલવી જોઈએ. આ નિર્ણયને ભાજપ સરકારનો શિક્ષણ માટેનો કાળો કાયદો ગણાવી 'અંધેરી નગરીને ગંડુ રાજા'ની કહેવત યાદ અપાવી સરકારને આડે હાથ લીધી હતી.