વલસાડ: ધરમપુર અને કપરાડા વિસ્તારમાં લગ્નસરાની સિઝન હોવાને કારણે ખેડૂતો શાકભાજીમાં રીંગણ, ટામેટા, મરચાં, કાકડી, ભીંડા જેવી શાકભાજીઓનું ઉત્પાદન કરતાં હોય છે, પરંતુ આ કમાણીની સિઝનમાં અચાનક કોરોના વાઇરસ સમગ્ર દેશમાં પ્રસરી જતાં સરકારે દેશને લોકડાઉન કર્યો છે. આ લોકડાઉનના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, હાલમાં ખેતરોમાં શાકભાજીનો પાક તૈયાર છે અને ખેડૂતો આ શાકભાજી માર્કેટ સુધી પણ લઇ જઇ રહ્યા છે, પરંતુ એક સાથે મોટા જથ્થામાં ખરીદી કરવા આવનારા મોટા વેપારીઓ મહારાષ્ટ્ર, સુરત કે નવસારીથી આવતા બંધ થઈ ગયા છે. જેથી સ્થાનિક કક્ષાના વેપારીઓ ખેડૂતોને આ શાકભાજીની નજીવી કિંમત ચૂકવતા હોય છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે.
ઉલ્લેખનીય છે કે, ધરમપુર અને કપરાડા વિસ્તારના મોટાભાગના ખેતરોમાં હાલ ખેડૂતોએ રીંગણ, ટામેટા, ભીંડા, ગવાર, સિંગ, કાકડી, કોળા, ટીંડોળા જેવી અનેક શાકભાજીનું વાવેતર કર્યું છે. પરંતુ તેની યોગ્ય કિંમત ખેડૂતોને મળતી નથી.