- સર્પદંશની સારવારમાં તબીબે 17 હજાર કરતા વધુ લોકોને બચાવ્યા છે
- સામાન્ય રીતે ચાર પ્રકારના ઝેરી સર્પદંશ વધુ પ્રમાણમાં જોવા મળે છે
- સાપને ક્યારેય મારી નાખવો ન જોઈએ: ડો. ધીરુભાઇ પટેલ
વલસાડ: ધરમપુરમાં છેલ્લાં 32 વર્ષથી શ્રી સાઈનાથ હોસ્પિટલ ચલાવતા ડો. ધીરુભાઈ પટેલને નાનપણથી જ સર્પદંશની સારવાર કરવા માટેની લગન લાગી હતી. તેમણે નાનપણમાં અનેક લોકોના સર્પદંશથી મોત થતાં જોયા હોવાથી તબીબ બન્યા બાદ આ વિશેષ ક્ષેત્રે મહારથ હાસિલ કરવા માટે અનેક વર્ષોથી તેમની પાસે આવતા દર્દીઓની સારવાર આપવાનો અનુભવ નહીં નાની-નાની બાબતો શીખ્યા બાદ હાલમાં તેમની પાસે આવતા દર્દીઓ સર્પદંશની સારવાર લઇ સાજા થઇ રહ્યા છે. 32 વર્ષમાં તેમણે સર્પદંશ ક્ષેત્રે અનેક અનુભવોનો નીચોડ મેળવ્યો છે.
આ પણ વાંચો- સર્પદંશ અને ભારતમાં મરણ
એક વર્ષમાં ભારતમાં 50 હજાર કરતાં વધુ લોકોના મૃત્યુ થાય છે
WHOના એક સર્વે અનુસાર સમગ્ર ભારતમાં ગ્રામીણ કક્ષાએ ખેતીકામ કરતા ચોમાસા દરમિયાન સર્પદંશ કરડવાના અનેક કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે સમગ્ર ભારતની વાત કરીએ તો સર્વે મુજબ ભારતમાં એક વર્ષમાં 50,000 જેટલા કિસ્સાઓમાં સારવાર ન મળતા દર્દીઓના મોત થાય છે. એટલે કે સૌથી વધુ મોત સર્પદંશમાં તાત્કાલીક સારવાર ન મળતા લોકો મોતને ભેટે છે. તો બીજી તરફ ગ્રામીણ કક્ષાએ હજુ પણ અંધવિશ્વાસ હોવાના કારણે સર્પદંશ થતાં લોકો ભગત ભુવા પાસે પહોંચી જતા હોય છે. જે બાદ પણ તેમના મોતના કિસ્સા બનતા હોય છે, પરંતુ તે સામે આવતા નથી એટલે કે 50 હજાર કરતા પણ આંકડો વધુ થઈ શકે તેમ છે.
17 હજાર કરતાં વધુ લોકોને આપી છે સારવાર
ધરમપુરમાં સર્પદંશની સારવાર માટે આસપાસના વિસ્તારમાં જાણીતા બનેલા ડૉ. ધીરુભાઈ પટેલ દ્વારા વર્ષ 1994થી લઇ આજદિન સુધીમાં તેમણે સર્પદંશના 17,346 જેટલા દર્દીઓને સારવાર આપી છે. જે પૈકી 7099 જેટલા ઝેરી સર્પદંશના દર્દીઓને સારવાર આપીને મોતના મુખમાંથી બચાવી લીધા છે, જ્યારે તેમના સુધી પહોંચે તે પહેલા 132 જેટલા દર્દીઓના હોસ્પિટલમાં લાવ્યા બાદ મોત થયા છે. આમ અત્યારસુધીમાં 17 હજાર કરતાં વધુ લોકોને તેમણે સારવાર આપી છે.
સાપને બચાવવા માટે જનજાગૃતિ અભિયાન ચલાવે છે
ધીરુભાઈ પટેલ ભલે સર્પદંશની સારવાર કરીને લોકોને સાજા કરે છે, પરંતુ તેઓ લોકોને સાપને ક્યારેય પણ મારી નાખવાની સલાહ આપતા નથી. સાપને બચાવવા માટે એક વિશેષ જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે. તેઓનું માનવું છે કે, સાપ ખેડૂતનો મિત્ર છે અને પર્યાવરણનું એક અભિન્ન અંગ છે જેથી સાપને ક્યારેય મારી નાખવો ન જોઈએ.
ધીરુભાઇ આપે છે સાપ અંગેની મહત્વની જાણકારી
ધીરુભાઇ દ્વારા વિવિધ ગ્રામીણ કક્ષાએ છેલ્લા પાંચ વર્ષથી સ્નેક બાઇટ અવેરનેસ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. તેઓ સ્કૂલ-કૉલેજ તેમજ વિવિધ સંસ્થાઓમાં પહોંચીને સાપ અંગેની મહત્વની જાણકારી આપે છે તેમજ સાપ કરડે ત્યારે શું કરવું અને ત્યારબાદ દર્દીને કેવા પ્રકારના લક્ષણો દેખાય છે તે અંગેની પણ મહત્વની જાણકારી તેઓ આપી રહ્યા છે. જેથી કરીને જો કોઈ કિસ્સામાં દર્દીને સાપ કરડે તો તેને તાત્કાલિક સારવાર આપીને બચાવી શકાય.
ચાર જેટલાં ઝેરી સાપના સર્પદંશ કરેલા દર્દીઓની કરાઇ છે સારવાર
છેલ્લાં 32 વર્ષથી પોતાની ખાનગી હોસ્પિટલમાં સર્પદંશ માટે વિશેષ સારવાર આપવા માટે જાણીતા બનેલા ડૉકટર ધીરુભાઈ જણાવે છે કે, વલસાડમાં હવે ચાર જેટલાં ઝેરી સાપના સર્પદંશ કરેલા દર્દીઓ સારવાર માટે આવે છે. જેમાં પ્રથમ કોબ્રા જેને આપણે નાગ તરીકે ઓળખીએ છે. બીજા નંબર પર RUSSELL VIPER જેને લોકો મણિયાર તરીકે ઓળખે છે. ત્રીજા નંબર પર સો સ્કેલ વાઇપર જેને લોકો ફોડચુ તરીકે ગ્રામીણ કક્ષાએ ઓળખે છે, જ્યારે ત્રીજા નંબર પર બામ્બુ પિટ વાઈપરનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો- જૂનાગઢ શહેર અને આસપાસના વિસ્તારોમાં વર્ષ દરમિયાન નોંધાય છે 200થી વધુ સર્પદંશની ઘટના
સ્વજનોનો વિશ્વાસ: ધરમપુર પહોંચશે એટલે દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈ જશે
આમ વલસાડ જિલ્લા સહિત સુરત, નવસારી, ચીખલી, બીલીમોરા, વાપી, ઉમરગામ જેવા અનેક વિસ્તારોમાંથી તેઓ સર્પદંશની સારવાર માટે જાણીતા બન્યા છે. કોઈપણ કિસ્સામાં સર્પદંશ બને કે તાત્કાલિક જ લોકો ધરમપુર સુધી પહોંચી જતા હોય છે અને દર્દીઓના સ્વજનોને પણ એક વિશ્વાસ હોય છે કે, તેઓ ધરમપુર પહોંચશે એટલે સર્પદંશનો દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈ જશે.