વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરાઓનો આતંક વધી જવા પામ્યા છે, જેના કારણે રાહદારીઓ, વાહનચાલકો અને સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. રખડતા શ્વાન આવતા જતા રાહદારીઓને બચકા ભરી લેતા હોય છે, જેના કારણે રાહદારીઓને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવે છે. વલસાડ જિલ્લામાં વધતા જતા ડોગ બાઇટના કિસ્સામાં સરકારી દવાખાનાઓમાં તેના ઇન્જેક્શનો ફ્રીમાં આપવામાં આવે છે. તેમ છતાં લોકો ખાનગી દવાખાનાઓમાં તેના ઇન્જેક્શનો માટે જાય છે. જો કે, વલસાડ જિલ્લાના આંકડા ઉપર નજર કરીએ તો વર્ષમાં કુલ 7719 ડોગ બાઈટના કેસ નોંધાયા છે.
તાલુકા કક્ષાના આંકડા ઉપર નજર કરીએ તો વલસાડ તાલુકામાં 2360 કેસ, પારડી 759 કેસ, કપરાડામાં 700, ધરમપુરમાં 502, ઉમરગામ 1853 કેસ અને વાપીમાં 1545 જેટલા ડોગબાઈટના કેસ સરકારી આરોગ્ય વિભાગમાં નોંધાયા છે.
નોંધનીય છે કે, ડોગ બાઈટ માટે સરકાર એન્ટી રેબિઝ વેકસીન ઇન્જેક્શન સરકાર દ્વારા મફત દર્દીઓને આપવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ હજુ પણ લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું વધુ પસંદ કરતા હોય છે જેને કારણે સાચો ડોગબાઈટનો આંકડો સરકારી ચોપડે મળી શકતો નથી. જો કે, 7719 કેસો સામે આવ્યા છે, જે ખૂબ ચિંતાજનક કહી શકાય છે.