વલસાડઃ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલા કોવિડ-19 સેન્ટરમાં જીવના જોખમે ફરજ બજાવતા ઈન્ટર્ન ડૉક્ટર્સને માસ્ક કે PPE કીટ આપવામાં ન આવતી હોવાના આક્ષેપ સાથે સોમવારે સિવિલ હોસ્પિટલમાં કોવિડ-19 સેન્ટરમાં ફરજ બજાવતા અનેક ડૉક્ટર્સ વહીવટી તંત્ર સામે હડતાળ પર ઉતર્યા હતા. સિવિલ હોસ્પિટલમાં ગેટ પાસે મોટી સંખ્યામાં ડૉક્ટર્સે નીચે બેસીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો.
ડૉક્ટર્સ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં લોકોને સારવાર આપવા માટે તેમને પોતાનો જીવ જોખમમાં મૂકીને ફરજ બજાવવી પડે છે. જેમાં તેમને માસ્ક માત્ર થ્રિ લેયર આપવામાં આવે છે, આ સાથે PPE કીટ ન આપવામાં આવતા છેલ્લા એક અઠવાડિયામાં 3થી વધુ ફરજ પર રહેલા સિવિલ કર્મીઓનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલ દ્વારા તમામ તબીબોને PPE કીટની સવલત આપવામાં આવે એવી માગ સાથે સોમવારે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તેમને હડતાળ પર ઉતર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સિવિલ સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું કે, કોવિડની ગાઇડ લાઇન અનુસાર તેમને તમામ વસ્તુઓ આપવામાં આવશે. મહત્વનું છે કે, વલસાડ જિલ્લામાં કોરોના કાળમાં વહીવટી તંત્રને NGO દ્વારા પણ PPE કીટ આપવામાં આવી હતી, તો દોઢ લાખથી વધુ કીટ સરકાર દ્વારા પણ આપવામાં આવી હતી, પણ કોરોના જેવી બીમારીને માત અપાવનારા ડૉકટર્સને જો સિવિલમાં યોગ્ય સવલત ન મળતી હોય તો દર્દીઓએ તો કેવી આશા રાખવી.