વાપીઃ સોમવારની રાત્રે 12 વાગ્યાથી સમગ્ર ગુજરાત રાજ્યને લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે જિલ્લાના વાપી સહિતના તમામ મુખ્ય શહેરો ગામડાઓ અને નેશનલ હાઇવે પરની તમામ અવરજવર લોકડાઉનના પગલે બંધ કરાઈ છે.
આ અંગે જિલ્લા પોલીસવડા સુનિલ જોશીએ જણાવ્યું હતું કે, રાત્રીના 12 વાગ્યાથી રાજ્યમાં લોકડાઉન લાગુ કર્યા બાદ જિલ્લાનો 100 ટકા પોલીસ સ્ટાફ માર્ગ પર પોતાની ફરજ બજાવી રહ્યો છે. લોકડાઉનના પગલે આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની તમામ સંસ્થાનો બંધ કરાવવામાં આવી છે. તેમજ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે સતત મોબાઈલ પેટ્રોલિંગ કરી રહી છે. જેમાં લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરાઈ રહી છે. જ્યાં તેનું પાલન નથી થતું ત્યાં સખ્તાઈ વર્તી લોકડાઉનનું પાલન કરાવાઈ રહ્યું છે. જિલ્લા પોલીસવડાએ કહ્યું કે, જ્યાં સુધી જરૂરિયાત ઉભી ના થાય ત્યાં સુધી લોકોએ ઘરની બહાર નહીં નીકળવું નહીં.
લોકડાઉનનના કારણે હાલ જિલ્લાના તમામ પોલીસ મથકના PI, PSI, જમાદાર, સહિતના પોલીસ કર્મચારીઓ ઉપરાંત હોમગાર્ડ, SRD, GRD, TRB જવાનો પણ આ કામગીરીમાં જોડાયા છે. શહેરના તમામ મુખ્ય નાકાઓ પર બેરીકેડ લગાવી આવાગમન બંધ કરાવ્યું છે.