વલસાડ: જિલ્લામાં 2017માં નિમણૂક પામેલા કલેકટર આર.સી. ખરસાણ 31 મેના રોજ નિવૃત્ત થયા છે. તેમના સ્થાને ગાંધીનગરથી ફરજ બજાવતા જિલ્લા વિકાસ અધિકારી આર. રાવલની નિમણૂક થઈ છે. જોકે, ત્રણ વર્ષ દરમિયાન વલસાડ જિલ્લામાં આર.સી. ખરસાણના કાર્યકાળ દરમિયાન અનેક વિકાસ કાર્યો થયા છે. તેમણે આ સમગ્ર બાબતે ઈટીવી ભારત સાથે વાતચીતમાં કેટલાક સંસ્મરણો તાજા કર્યા હતા. વલસાડ શહેરને અડીને આવેલા 11 થી વધુ ગામોમાં ઔરંગા નદીના પાણી ચોમાસામાં ફરી વળતા હતા. જોકે, પૂરના પાણી ગામોમાં પ્રવેશે તે પહેલાં જ વલસાડ વાસીઓને ખબર પડી જાય તે માટે તેમના કાર્યકાળ દરમિયાન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી હતી. જેના થકી પૂરના પાણી ગામમાં પ્રવેશે તે પહેલાં જ લોકોને જાણકારી મળી જતી હતી અને તેઓ સચેત થઇ જતા હતા.
તેમના કાર્યકાળ દરમિયાન ધરમપુર અને કપરાડા વિસ્તારમાં અનેક ચેકડેમ, કૂવા, તળાવ અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઉંડા કરવાની કામગીરી શરૂ કરાઇ હતી. જેને લઇને હાલ કપરાડા તાલુકામાં અનેક ગામોમાં પીવાના પાણીની સમસ્યા નહિવત જોવા મળી રહી છે. હાલમાં ખૂબ ઓછા ગામોમાં ટેન્કરો દ્વારા પાણી પહોંચતું કરવામાં આવી રહ્યું છે. તેમણે વલસાડ સાથે કેટલાક યાદગાર સંસ્મરણો તાજા કરતા જણાવ્યું કે, તેઓ જ્યારે 2017માં વલસાડમાં નિમણૂક પામ્યા ત્યારે 2016 દરમિયાન પૂરનો પ્રકોપ વલસાડમાં વધુ જોવા મળ્યો હતો. તેના કારણે અનેક ખાના ખરાબી વલસાડ શહેરની આસપાસના ગામોમાં અને શહેરમાં નુકસાની જોવા મળી હતી અને આ નુકસાની ફરી ન થાય તે માટે તેઓ કટિબદ્ધ બન્યા હતા.
બીજી તરફ કોરોનાની મહામારી વચ્ચે તેમનાં માતાશ્રીનું અવસાન થયા બાદ તેઓ તેમની અંતિમ વિધિ પતાવી પરત તુરંત જ પોતાની ફરજ પર હાજર થયા હતા. આ ઘટના પણ તેમને પોતાના સમગ્ર જીવન દરમિયાન યાદ રહેશે તેવું જણાવતા તેઓની આંખો ભીની થઈ ગઈ હતી. અંતે તેમણે વલસાડ વાસીઓને મેસેજ આપ્યો છે કે, કોરોનાની સામે જંગમાં વલસાડ વાસીઓએ લડવાનું છે. તે માટે તેમણે સોશિયલ ડિસ્ટન્સ, માર્ક અને સેનેટાઈઝર જેવા સાધનોનો ઉપયોગ કરવાનો રહેશે તેમ જણાવ્યું હતું.