- ઉમરગામ વૉર્ડ નંબર 6માં EVM ક્રમાંક બદલાયા
- AAP, BSPના ઉમેદવારના ક્રમાંક બદલાયા
- ઉમેદવારોએ ફરી મતદાનની માગ કરી
વલસાડઃ ઉમરગામ નગરપાલિકામાં ચાલી રહેલા મતદાનમાં ચૂંટણી પંચ દ્વારા દરેક ઉમેદવારને વૉર્ડ મુજબ EVMમાં ખાસ ક્રમાંક ફળવેલા હોવાથી ક્રમાંક મુજબ બેનર બનાવી પ્રચાર કર્યા બાદ અચાનક EVMમાં ક્રમાંક બદલી જતા BSP અને AAP ના ઉમેદવારોએ ચૂંટણીપંચ પર ગંભીર આક્ષેપ કરી ફરી મતદાન કરવાની માગ કરી હતી. ઉમરગામ નગરપાલિકાના વૉર્ડમાં કુલ 14 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપ-કોંગ્રેસ ઉપરાંત બહુજન સમાજ પાર્ટી BSPના 4 ઉમેદવારોએ પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. જ્યારે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ઝંપલાવ્યું છે. જો કે તેમના EVM ક્રમાંકમાં ફેરબદલ થતા ઉમેદવારોએ આક્રોશ ઠાલવ્યો હતો.
ક્રમાંક મુજબ પ્રચાર કર્યો
આ અંગે BSPના ઉમેદવાર શ્યામનારાયણ પાંડેએ જણાવ્યું હતું કે, તેઓ કુલ 4 ઉમેદવારો BSP તરફથી વૉર્ડ નંબર 6માં ઉમેદવાર તરીકે ઉભા રહ્યા છે. જે તે વખતે તેમને ચૂંટણી પંચ દ્વારા EVMમાં ક્રમાંક 6, 7, 9, 10 આપેલા એટલે તેમણે મતદારોને સમજણ પડે તે માટે તે મુજબના બેનર છપાવી પ્રચાર કર્યો હતો પરંતુ મતદાનના દિવસે તેમના ક્રમાંકમાં જે 10 નંબર હતા તેને બદલે 11 નંબર થઈ ગયો હતો. જેથી BSP સમર્થીત મતદારો મૂંઝવણમાં મુકાયા હતાં.
છળકપટ કર્યું હોવાનો આક્ષેપ
શ્યામનારાયણ પાંડેએ આક્ષેપ કર્યો હતો કે, તે આ ચૂંટણીમાં જીત મેળવવા માટેનો તે સક્ષમ દાવેદાર છે એટલે તેમને હરાવવા માટે રાષ્ટ્રીય પાર્ટીએ ચૂંટણી પંચ સાથે મળી આ છળકપટ કર્યું છે. અત્યાર સુધી અમે જે ક્રમાંક મુજબ પ્રચાર કર્યો છે. તેમાં હવે મતદાનના દિવસે જ ફેરબદલ થતા મતદારો મૂંઝાયા છે.
મતદારોને ગુમરાહ કર્યા
તો, BSPના વલસાડ જિલ્લાના ઉપપ્રમુખ અબ્દુલ સલામે પણ આક્ષેપો કર્યા હતા કે, તેમના ઉમેદવારો આ વૉર્ડમાં જીત મેળવી શકે તેમ હોય મતદારોને ગુમરાહ કરવા EVM ના ક્રમાંક બદલ્યા છે.
EVMમાં ક્રમાંક બદલાઈ ગયો
આમ આદમી પાર્ટીના ઉમેદવાર શ્રીનિવાસ રામદાસ વેમલનો EVM ક્રમાંક પણ બદલી ગયો હોય તેણે પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, તેને પહેલા 13 ક્રમાંક આપેલો અને હવે તેનો ક્રમાંક 12 છે. આ ક્ષતિ અંગે બને પાર્ટીના ઉમેદવારોએ ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. પરંતુ તે અંગે ચૂંટણી અધિકારી તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારી માગ છે કે, વૉર્ડ નંબર 6માં ફરી મતદાન થાય અમે જીતના દાવેદાર ઉમેદવારો છીએ એટલે એમને હરાવવા રાષ્ટ્રીય પાર્ટીએ આ છળકપટ કરી છે.
ચૂંટણી પંચના આદેશ અનુસાર ક્રમાંક આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે ચૂંટણી અધિકારી ડી. આઈ. પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા એવી કોઈ ક્ષતિ કરવામાં આવી નથી. ચૂંટણી પંચની સૂચના અને માર્ગદર્શન મુજબ જ તમામ ઉમેદવારોના ક્રમાંક EVMમાં આપવામાં આવ્યાં છે.