ધરમપુર :ગુજરાત સરકારના રમતગમત ,યુવા,અને સાંસ્કૃતિક વિભાગના ગ્રંથાલય વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા માન્યતાપ્રાપ્ત અનુદાનિત ગ્રંથાલયો માટેની " સ્વ શ્રી મોતીભાઈ અમીન ગ્રંથાલય સેવા અને ઉત્તમ ગ્રંથાલય સેવા પ્રમાણપત્ર" 2018 માં સ્પર્ધા યોજાયેલી હતી. જેમાં ગુજરાતના અનુદાનિત તમામ બાળ ગ્રંથાલયોમાં ધરમપુર નગરપાલિકા સંચાલિત એસએમએસએન બાળ લાયબ્રેરીને તથા એના ગ્રંથપાલ નિમેષ ભટ્ટને વિજેતા જાહેર કરાયેલા હતાં. વિજેતા ગ્રંથાલય તથા ગ્રંથપાલ નિમેષ ભટ્ટને તથા બાળ લાયબ્રેરીના સંચાલક મંડળ ધરમપુર નગરપાલિકાને પારિતોષિક અને પ્રમાણપત્ર ( એવોર્ડ) એનાયત કરવામાં આવ્યો છે.
ગુજરાત સાહિત્ય અકાદમીના મહાપાત્રાના હસ્તે એવોર્ડ એનાયત : તા. 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાદવના અધ્યક્ષપણા હેઠળ તથા ગ્રંથાલય નિયામક ડો. પંકજભાઈ ગૌસ્વામી તથા લાયબ્રેરી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલ સંસ્થાઓના મહાનુભાવો, લાયબ્રેરીઓના સંચાલકો, ગ્રંથપાલો તથા નાગરિકોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો નડિયાદની ડાહીલક્ષ્મી પુસ્તકાલયનો આજે જન્મદિવસ
1886માં રાજવી સમયે શરૂ થઈ હતી લાયબ્રેરી : અહીં એ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના ગ્રંથાલય વિભાગ તરફથી ધરમપુર નગરપાલિકાની રાજવી સમયની સને 1886થી શરૂ થયેલ શ્રીમંત મહારાણા શ્રી નારણદેવજી લાયબ્રેરીને તથા લાઈબ્રેરીયન નિમેષ ભટ્ટને 2015માં પણ આ એવોર્ડ પ્રાપ્ત થયેલ હતો. પાલિકા સંચાલિત બાળ લાયબ્રેરીને ગુજરાત સરકાર તરફથી એવોર્ડ મળતા સમગ્ર ધરમપુર પંથકમાં આનંદ જોવા મળી રહ્યો છે.
પાલિકાના હોદ્દેદારોએ પાઠવ્યા અભિનંદન : ધરમપુર નગરપાલિકા સંચાલિત બાળ લાયબ્રેરીનું સરકાર દ્વારા સન્માન થતાં પાલિકાના નગરપાલિકા પ્રમુખ જયોત્સનાબેન દેસાઈ ચીફ ઓફિસર મિલનભાઈ પલસાણા, લાયબ્રેરી સમિતિ ચેરમેન હેમાબેન પટેલ,,ઉપપ્રમુખ નરેશભાઈ પટેલ, કારોબારી ચેરમેન રક્ષાબેન જાદવ, પાલિકા સભ્ય પ્રણવભાઈ શીધે તથા તમામ પાલિકા સભ્યોએ કર્મચારીગણે બાળ લાયબ્રેરીને તથા બાળ વાચકો,સભ્યોને અભિનંદન પાઠવ્યા છે. તથા ગુજરાત સરકારના રમતગમત,યુવા,અને સાંસ્કૃતિક વિભાગના ગ્રંથાલય વિભાગ ગુજરાત રાજયનો અભાર માન્યો છે.
આ પણ વાંચો MJ Library Budget 2023: પુસ્તકાલયની કાયા પલટાશે, 15 કરોડના ખર્ચે બનશે ડિજિટલ લાયબ્રેરી
2012 માં શરૂ કરાઇ હતી બાળ લાયબ્રેરી : ધરમપુર નગરપાલિકા દ્વારા બાળકોમાં વાંચન પ્રવૃત્તિ થાય એવા ઉમદા હેતુથી એસ.એમ.એસ.એન.બાળ લાઈબ્રેરી સને 2012થી શરૂ કરવામાં આવી હતી. જેને ગ્રંથાલય વિભાગ,ગુજરાત રાજય તરફથી બાળ લાયબ્રેરી તરીકે માન્યતા તથા ગ્રાન્ટેબલ કરવામાં આવી હતી. માત્ર 10 રૂપિયાની સભ્ય ફી ભરી બાળકો અહીં સભ્ય પદ લઈ શકે છે વાંચન તરફ બાળકો કેળવાય એ માટે અનેક આયોજનો અહીં સમયાંતરે યોજાય છે.
બાળ લાયબ્રેરીમાં 4500થી વધુ પુસ્તકો છે 445 બાળ સભ્યો છે : આ બાળ લાયબ્રેરીમાં ધરમપુર નગરપાલિકા વિસ્તારના 7વર્ષથી 14 વર્ષ વય સુધીના બાળકો સભ્યો છે. બાળ લાયબ્રેરીમાં કુલ 4500 પુસ્તકો છે. આ તમામ પુસ્તકોને સોલ 2.0 સોફટવેરમાં રેટ્રોકન્વર્ઝન કરવામાં આવ્યા છે. આ બાળ લાયબ્રેરીમાં કુલ 445 બાળ સભ્યો નોધાયલા છે. આ બાળ લાયબ્રેરીમાં દ્રવ્ય શ્રાવ્ય ( વીડીઓ, ઓડીયો સીડી) વિભાગ છે. જેમાં શૈક્ષણિક,ધાર્મિક, કાર્ટૂનને લગતી સી.ડી.ઓ છે. બાળ લાયબ્રેરીમાં આજના યુગના બાળકોમાં રાષ્ટ્ર ભકિત, સમર્પણની ભાવના મજબૂત થાય એ હેતુથી રાષ્ટ્રવાદી પુસ્તકોનો વિભાગ ખોલવામાં આવ્યો છે. આ પુસ્તકોનું વાંચન દર રવિવારે બાળકો કરે છે.
સ્પર્ધાત્મક પરીક્ષાના પુસ્તકો પણ છે : બાળકોના ભવિષ્યને ધ્યાને લઈ સરકારી વિભાગોમાં આવનાર પરીક્ષાઓ તથા બેકો, ખાનગી સંસ્થાઓમાં નોકરી કરે એ સારા હેતુથી બાળ લાયબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષા પુસ્તક વિભાગ ખોલવામાં આવ્યો છે. ધરમપુરના બાળકોમાં પુસ્તકો સાહિત્ય,લેખન પ્રત્યે રૂચિ વધે એ માટે લાયબ્રેરીના વાચકો દ્રારા " વાંચે એનુ પુસ્તક ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.
જાણીતા લેખકો અને સાહિત્યકારો પણ અહીં વક્તવ્યો આપી ચુક્યા છે : જેમાં પુસ્તકો વિશે જાણીતા સાહિત્યકાર,લેખકો દ્વારા વકતવ્ય અપવામાં આવે છે.જેમાં ગુજરાતના સુપ્રસિધ્ધ લેખકો, લેખિકા,સાહિત્યકારો કાજલબેન ઓઝા વૈધ્ય, અંકિત ત્રિવેદી, ધ્રુવભાઈ ભટ્ટ ,રઈશભાઈ મણીયાર જેવા અન્ય સાહિત્યકારો કાર્યક્રમો કરી ચુકયા છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ તથા વલસાડ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આ બાળ લાયબ્રેરીને સને 2016થી 2018 સુધી બાળ લાઈબ્રેરીને મોડલ બનાવી વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ગ્રંથાલય વિકાસ માટેનું મોડયુલ માટે તાલીમ વર્ગ તથા વલસાડ જિલ્લાના પ્રાથમિક શાળાઓના બાળકો માટે બાળમેળા, લાઈફ સ્કીલ,મેટ્રીક મેળા ડોક્યુમેન્ટેશન નિમાર્ણની કાર્ય શિબિર પણ યોજવામાં આવી છે. આમ રાજવી સમયથી બનેલી આ લાયબ્રેરીમાં બાળ લાયબ્રેરી શરૂ થયા બાદ વાંચન પ્રત્યેની બાળકોની રુચિ પણ વધી છે અને બાળકો પણ વાંચન પ્રિય બની રહ્યા છે.