કચ્છ: ગુજરાતમાં ઉત્તરાયણનો પર્વ એટલે પતંગ રસિયાઓનો તહેવાર જેમાં પૂરો દિવસ પતંગ રસિયાઓ પતંગ ચગાવે છે અને ઉંધીયું, જલેબી, તલ અને સીંગની ચિક્કી, બોર અને શેરડી ખાઈને આનંદ માણે છે. મહિનાઓ પહેલાથી જ પતંગ રસિયાઓ ઉત્તરાયણને ધામધૂમપૂર્વક ઉજવવા માટે તૈયારીઓમાં લાગી જાય છે અને આજે એ દિવસ આવી ગયો છે.ત્યારે ભુજમાં કચ્છના પ્રખ્યાત પતંગબાજ જયેશભાઈ સિસોદિયાએ સિંગાપોરથી મંગાવેલ સ્ટંટ કાઇટે આકર્ષણ જમાવ્યું હતું.
સ્ટંટ પતંગે ભુજના આકાશમાં આકર્ષણ જમાવ્યું: મૂળ માંડવીના પતંગ રસીક જયેશભાઈ સિસોદિયાએ છેલ્લા દોઢ દાયકાથી અવનવા પતંગ બનાવવા પાછળ અત્યાર સુધીમાં લાખોનો ખર્ચ કર્યો છે. મકરસંક્રાતિ 2025માં આકર્ષણ જમાવવા માટે તેમણે સિંગાપુરથી સ્ટંટ કાઈટ કે જેને સાઉન્ડ કાઈટ પણ કહેવામાં આવે છે તે મંગાવ્યો છે. તેમણે ભુજના છતરડીના ગાર્ડનમાં અવનવા સ્ટંટ કરીને આ પતંગ ચગાવ્યો હતો. આજે મકરસંક્રાંતિના પર્વે પતંગબાજ જયેશભાઈ સિસોદિયા દ્વારા ભુજના આકાશમાં આ સ્ટંટ કાઈટ પતંગ ચગાવવામાં આવ્યો હતો.
33000ની કિંમતનો સ્ટંટ કાઈટ: જયેશભાઈ સિસોદિયા દ્વારા સિંગાપોરથી મંગાવવામાં આવેલા પતંગની 3 મીટર પહોળાઈ છે અને 2 મીટર જેટલી લંબાઈ છે. આ પતંગની કિંમત 30,000 છે અને તેના પર 3000 જેટલી ઈમ્પોર્ટ ડ્યુટી પણ લાગી છે. આ પતંગને સિંગાપોરથી આવતા 30 દિવસનો સમય લાગ્યો છે. આ પતંગમાં 60 મીટરની રંગીન પૂંછડી પણ છે. જે પતંગ ચગે છે ત્યારે તે કોબ્રા સાપ જેમ સરકે છે અને આકર્ષિત કરે છે.
હાથોના ઇશારે વિવિધ કરતબો: આ સ્ટંટ કાઈટને સાઉન્ડ કાઈટ પણ કહેવામાં આવે છે, કારણ કે આ પતંગને જ્યારે ચગાવવામાં આવે છે ત્યારે ફાઇટર પ્લેન જેવો અવાજ આવે છે. આ સ્ટંટ કાઈટને બે હાથ અને બે દોરી વડે ઉડાવવામાં આવે છે. આ બંને દોરી 50-50 મીટરની હોય છે અને તેને હાથોના ઇશારે વિવિધ કરતબો કરવામાં આવે છે અને પતંગ હવામાં સ્ટંટ કરે છે અને અવાજ કરે છે. જયેશભાઈ જણાવે છે કે તેઓ કોઈ વ્યક્તિ ઊભો હોય તેના માથાના 6 ઇંચ ઉપરના અંતરથી સ્ટંટ કરીને એ પતંગને ઉપર ઉડાવીને કરતબ દેખાડી શકે છે.
2008થી આ પતંગબાજ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ભાગ લે છે: ઉલ્લેખનીય છે કે, જયેશભાઈ વર્ષ 2008થી ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં પણ ભાગ લે છે અને અનેક વખત ભારતની ટીમનું પ્રતિનિધિત્વ પણ કર્યું છે. કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ગાંધીધામ, બેલગામ, ગોવા, પણજી વગેરે જગ્યાએ દર વર્ષે યોજાતા આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલમાં તેઓ ભાગ લે છે. જયેશભાઈ સિસોદિયા પાસે અવનવા પતંગો છે અને દર વખતે ભુજની જનતાને પતંગમાં કંઇક જુદો જોવા મળે તે માટે પ્રયત્ન કરતા હોય છે.જેના ભાગરૂપે આ વખતે આ સ્ટંટ કાઈટ ઉડાવવામાં આવી છે.
સ્ટંટ કાઈટને ઉડાવવા માટે 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અનિવાર્ય:
પતંગબાજ વિરાટ સોલંકીએ ETV Bharat સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સ્ટંટ કાઈટની વિશેષતાએ હોય છે કે, તે એક ફાઇટર કાઈટ જેવી હોય છે અને તે હવાના વેગના આધારે જ ઉડાડી શકાય છે. આ સ્ટંટ કાઈટને ઉડાવવા માટે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ અનિવાર્ય હોય છે. જો હવા તેનાથી ઓછી હોય તો આ પતંગ ચગી શકતી નથી અને જો વધુ પવન હોય તો આ પતંગ ફાટી જાય છે. આ પતંગ હવાના વેગ સાથે અવાજ ઉત્પન્ન કરે છે. આ પતંગના સ્ટંટ અને અવાજ લોકોને આકર્ષિત કરે છે. આ કાઈટ ઉડાડીને આવનારી પેઢીને જુદા જુદા પ્રકારના પતંગો સાથે અવગત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: