ખેડા: મહેમદાવાદના વાંઠવાળી પાસે એસટી બસ અને ડમ્પર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એસટી બસ મહુધાથી અમદાવાદ જઈ રહી હતી તે દરમિયાન વાંઠવાળી નજીક ડમ્પર સાથે અથડાઈ હતી. જેમાં બસના કંડક્ટરનું મોત નિપજ્યુ હતુ.બસમાં કોઈ મુસાફરો ન્હોતા જેથી મોટી જાનહાની ટળી હતી.
બસનું પડખું ચીરાયું, કંડક્ટરનું કરૂણ મોત
મહુધા ડેપોની બસ મહુધાથી અમદાવાદ જઈ રહી હતી તે દરમિયાન મહેમદાવાદના વાંઠવાળી નજીક ઉભા રહેલા એક ડમ્પર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં બસનું એક સાઈડનું પડખું ચીરાઈ ગયુ હતું. જેમાં બસમાં બેસેલા કંડક્ટર એમ.જી.મલેકને ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. મૃતક કંડક્ટર મહુધા ડેપોમાં ફરજ બજાવતા હતા.
બસમાં ડ્રાઈવર અને કંડક્ટર જ હતા
અકસ્માતને પગલે સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. કંડક્ટરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે બસ ખાલી જ હતી. તેમાં ડ્રાયવર કંડક્ટર સિવાય અન્ય કોઈ મુસાફરો નહોતા જેને કારણે મોટી જાનહાનિ થતાં ટળી છે.