વલસાડ જિલ્લામાં ગઈકાલે મોડી સાંજે પારડી શહેર અને તેની આસપાસના આવેલા ગામોમાં ગાજવીજ અને પવનના સુસવાટા સાથે પડેલા વરસાદને પગલે અનેક ગામોમાં ખાના-ખરાબી સર્જાઇ છે. પારડી નજીક આવેલા સુખેશના ધગડ ફળિયામાં બે ઘરને નુકસાન થયુ છે. જ્યારે બગવાડા ગામે ઘરોના પતરા ઉડ્યા હતાં. આ ઉપરાંત મોટી વાડા, પલસાણા ગામે વિવિધ ફળિયામાં વાવાઝોડાના કારણે નુકસાન પહોંચ્યુ હતું.
દરિયાકિનારે આવેલા ઉદવાડા ગામમાં ચાર ઘરના પતરા ઉડ્યા હતાં. આ વાવાઝોડાને પગલે સૌથી વધુ નુકસાન પારડી તાલુકાના કલસર ગામમાં થયુ હતું. ડુંગર વાળીમાં ત્રણ ધરને પણ ભારે માત્રામાં નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. જ્યારે પારડી નજીકના કુંભારીયા ગામે ચાર જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે. આ તમામ ગામોમાં ક્યાંક પતરા ઉડી ગયા છે તો ક્યાંક વૃક્ષોની ડાળી ઉપર પડતાં તૂટી જતા વરસાદી પાણી ઘરોમાં પડ્યું હતું.
પારડી તાલુકાના વિવિધ ગામોમાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે સરકારી તંત્ર દ્વારા હાલ પ્રાથમિક સર્વે કરવામાં આવ્યો છે. આ તમામ સર્વેમાં રિપોર્ટ તાલુકા વિકાસ અધિકારીને મોકલી દેવાયો છે. પરંતુ, હજુ પણ આગામી દિવસમાં 'મહા' વાવાઝોડાનો ખતરો દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને વલસાડ જિલ્લા ઉપર મંડરાઇ રહ્યો છે.