ખ્યાતિકાંડ અને વાયરલ ભુવાના વીડિયો અંગે શું બોલ્યા આરોગ્ય મંત્રી? સિવિલ હોસ્પિટલના માસ્ટર પ્લાન અંગે પણ કહ્યું - RISHIKESH PATEL CIVIL HOSPITAL
આરોગ્ય મંત્રીની સિવિલ હોસ્પિટલ મુલાકાત, સિવિલ હોસ્પિટલ માસ્ટર પ્લાન, ખ્યાતિકાંડ અને વાયરલ ભુવાના વીડિયો અંગે આપી પ્રતિક્રિયા
Published : Dec 19, 2024, 10:33 PM IST
અમદાવાદઃ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા અચાનક જ આજરોજ અમદાવાદ અસારવા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. 1200 બેડની હોસ્પિટલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના વિવિધ વહીવટી વડાઓ સાથે બેઠક યોજાઈ હતી.
બેઠક બાદ બેઠકની સમીક્ષા આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વાત કરવામાં આવી હતી કે આ સારવાર સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં ન માત્ર ગુજરાત રાજ્યના પરંતુ અન્ય રાજ્યના લોકોની પણ આશા છે.
મલ્ટી લેવલ પાર્કિંગ, પહોળા રોડ સહિત અનેક સુવિધા ઉપલબ્ધ થશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વધુમાં એ પણ વાત કરવામાં આવી હતી કે સિવિલ હોસ્પિટલનું કેમ્પસ એ ચારે બાજુથી રોડ ઘેરાયેલું છે. તેથી વધુ સરળ રીતે ટ્રાફિકનું નિયમન થાય અને પાર્કિંગની સુવિધા વિકસે તે માટે પણ માસ્ટર પ્લાન્ટ વિશે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. વધુમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં મલ્ટી લેવલ પાર્કિંગની સુવિધા પણ વિકસાવવામાં આવશે અને PG અને UG હોસ્ટેલ માટે પણ આયોજન કરવામાં આવશે.
દર્દીના સગા માટે અલગથી બેસવાની વ્યવસ્થા કરાશે
વધુમાં આરોગ્ય મંદિર ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, માસ્ટર પ્લાન બનાવવાની વાત પણ ચર્ચામાં લેવામાં આવી હતી. સાથે સાથે દર્દીના સગા આવે તો તેમને બેસવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે.
840 કરોડના કામની સમીક્ષા કરવામાં આવી
આજે મળેલી બેઠકમાં 840 કરોડના કામની સમીક્ષા કરવામાં આવી છે અને 838 કરોડના કામ આગામી સમયમાં આવશે આમ પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર રાજ્ય સરકાર કરી રહી છે.
સિવિલ હોસ્પિટલના અલગ અલગ ગેટથી અલગ અલગ યુનિટમાં સીધા જઈ શકાશે
સિવિલ હોસ્પિટલનું કેમ્પસ ચારેબાજુથી રોડથી ઘેરાયેલું છે અને વિવિધ 10 જેટલા ગેટ્સ છે. તેથી અલગ અલગ ગેટથી સીધું અલગ અલગ યુનિટમાં જઈ શકાય તે પ્રમાણે વ્યવસ્થા પણ કરવામાં આવશે.
ભુવાની ઘટના કરતા પ્રજાની હાલાકી પર ધ્યાન આપવાની જરૂર
વધુમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, સિવિલ હોસ્પિટલમાં ICU રૂમમાં એક ભુવો તાંત્રિક વિધિ કરતો હોય તે પ્રકારનો વીડિયો વાયરલ થયો હતો. તે અંગે શું પગલાં લેવાશે ? ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભુવાની ઘટના કરતા પ્રજાની હાલાકી પર ધ્યાન આપવાની જરૂર છે જોગવાઈઓ અનુસાર અને મળતા પુરાવાના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
અંધશ્રદ્ધા વિરોધી કાયદાનો ઉપયોગ કરાશે
વધુમાં તેમણે એ પણ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા અંધશ્રદ્ધા વિરોધી કાયદો લાવવામાં આવ્યો છે. તેનો પણ ઉપયોગ કરાશે. હોસ્પિટલના સત્તાધીશોને તે બાબતે કાયદાની જાણ ન હોય તે સ્વાભાવિક છે.
PMJAY યોજનામાં લોકોની પણ બેદરકારી તપાસમાં સામે આવી છે
વધુમાં PMJAY કોભાંડ મામલે પણ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને જણાવવામાં આવ્યું હતું કે ખોટી આઇડીનો ઉપયોગ કરીને આ કાંડ કરવામાં આવ્યું છે. PMJAY યોજનાના લોકોની પણ બેદરકારી તપાસમાં સામે આવી છે. વધુમાં આરોગ્ય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક ભૂલ થઈ છે હવે ભવિષ્યમાં ભૂલ ન થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે અને યોજના પર લોકોનો વિશ્વાસ મેળવવા માટે પણ પ્રયાસો શરૂ છે.