વેરાવળ: ઓનલાઇન છેતરપિંડીનો એક નવો કિસ્સો સામે આવ્યો છે. વેરાવળની હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા કાંતાબેન મોકરીયા નામની મહિલાના ખાતામાંથી તેમની પાડોશમાં જ રહેતા તેમના પરિચિતો દ્વારા PayTm એપ્લિકેશન મારફતે 17 લાખ કરતા વધારેનો હાથફેરો કરી નાખવાનો મામલો સામે આવ્યો છે. સમગ્ર મામલો ઉજાગર થતા જ કાંતાબેનના પુત્ર વિજય મોકરીયાએ ફરિયાદ દાખલ કરતા વેરાવળ પોલીસે બંને આરોપીની અટકાયત કરીને ધોરણસર કાર્યવાહી શરૂ કરી છે.
ભરોસો કોના પર કરવો આજના સમયનો સૌથી મોટો સવાલ
ગુજરાતીમાં કહેવત છે 'ભરોસાની ભેંસે પાડો જણ્યો' આ કહેવત વેરાવળની ઘટનામાં બિલકુલ અક્ષરસહ સાચી ઠરી છે. વેરાવળના હરસિધ્ધિ સોસાયટીમાં રહેતા અને રેલવેમાં સફાઈ કામદાર તરીકે ફરજ નિવૃત થયેલા કાંતાબેન મોકરીયાના બેંક ખાતામાંથી તેના પરિચિત અને પાડોશમાં જ રહેતા સચિન પટેલ અને કુણાલ વાઘેલા નામના બે યુવાનોએ બેંકના ખાતા સાથે PayTMની એપ્લિકેશન તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરીને 17 લાખ 60 હજાર કરતાં વધારે રકમની ઉચાપત કરી હતી. સમગ્ર મામલો કાંતાબેનના ધ્યાનમાં આવતા તેમના પુત્ર વિજય દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે બંને આરોપી યુવાન સચિન પટેલ અને કુણાલ વાઘેલાની અટકાયત કરી છે.
ચપળતાથી ખાતામાંથી રૂપિયા ઉઠાવ્યા
પોલીસ પકડમાં રહેલા સચિન પટેલ અને કુણાલ વાઘેલા નામના બંને આરોપીઓ તેમની પાડોશમાં જ રહેતા કાંતાબેન મોકરીયાને વિશ્વાસમાં લઈને તેના મોબાઇલમાં પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરી હતી. તેની UPI ID સેટ કરીને પાછલા કેટલાક સમયથી કાંતાબેન મોકરીયાના ખાતામાંથી અન્ય ખાતામાં 17 લાખ 60 હજાર રૂપિયા સેરવી લીધા હતા. ખાતામાંથી પૈસા ઓછા થતા કાંતાબેન અને તેના પુત્ર વિજયે બેંકમાં તપાસ કરતા સમગ્ર મામલામાં સચિન પટેલ અને કુણાલ વાઘેલા નામના બે આરોપીઓ મોબાઇલ એપ્લિકેશન મારફતે કાંતાબેનના ખાતામાંથી અન્ય વ્યક્તિના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દીધા.
આરોપીઓએ આપેલા ચેક પણ બાઉન્સ થયા
મામલાની જાણ થતા જ કાંતાબેનના પુત્ર વિજયે બંનેને બોલાવીને તેમનો મોબાઇલ ચેક કરતા તેમાંથી આ પ્રકારનું કારસ્તાન સામે આવ્યું હતું. ત્યારબાદ બંને આરોપીએ ચેક લખી આપી અને સમગ્ર મામલો સહમતિથી પાર પાડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આરોપીઓ દ્વારા લખવામાં આવેલા ચેક પણ રિટર્ન થતા અંતે આ બંને આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થતા વેરાવળ શહેર પોલીસે બંને આરોપીની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: