વલસાડ: થોડા દિવસ અગાઉ એલ.સી.બીએ સોના ચાંદી અને 21 મોબાઈલ ફોન સાથે બે આરોપીની ધરપકડ કરી હતી. જે બાદ આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બંન્નેને સારવાર અર્થે વલસાડ પાલિકા સંચાલિત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા.
વલસાડ એલસીબી દ્વારા થોડા દિવસ પહેલા ભીલાડ નજીકથી ઘરફોડ ચોરીના ગુનામાં પ્રકાશ ઉર્ફે કાલુ રાહુલ જયંતિ સોલંકી અને સુનિલ ઉર્ફે કાલીયા તિલક રામ નિશાદની ધરપકડ કરી તેમની પાસેથી બે લાખથી વધુના સોના ચાંદીના દાગીના 21 મોબાઇલ અને રોકડ રૂપિયા 57 હજાર મળી કુલ રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી બંને આરોપીની ધરપકડ કરી હતી.
આ બંને આરોપીઓએ સરીગામ અને ઉમરગામ વિસ્તારની ચાલીઓમાં ઘરફોડ ચોરીમાં આતંક મચાવ્યો હતો અને તેમના પર અત્યાર સુધીમાં પાંચ જેટલા ગુના દાખલ છે. બંને આરોપી કોરોના પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તેમને સારવાર માટે વલસાડની પાલિકા સંચાલિત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શનિવારે મોડી સાંજે આ બંને આરોપી પોલીસને ચકમો આપીને પાલિકા હોસ્પિટલમાંથી ફરાર થઈ જતા પોલીસ બેડામાં ચકચાર મચી છે. ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસે તમામ ચેકપોસ્ટ પર નાકાબંધી કરી દીધી છે, તેમજ કેટલીક ટીમ બનાવી એલસીબીએ ફરી આ બંને આરોપીની શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ કોરોના હોસ્પિટલમાંથી ફરાર થઈ જતા વલસાડ જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ છે.