વલસાડ: કોરોના વાઈરસની મહામારી દરમિયાન લોકોને વારંવાર જણાવવામાં આવે છે કે, આ બીમારીથી બચવા દરેક લોકો એક બીજાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ઉપયોગ કરે, છીંક ખાતી વખતે રૂમાલ મોઢે રાખે તેમજ જાહેરમાં થુંકવાનું ટાળે. પણ વલસાડ જિલ્લામાં લોકો સમજે એમ જણાતું નથી.
વલસાડ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા જાહેરમાં થુંકનાર 148 જેટલા લોકો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં 62,650 રૂપિયાનો જંગી દંડ વસુલવામાં આવ્યો છે. હાલમાં વલસાડ જિલ્લામાં 171 લોકો હોમ ક્વોરેન્ટાઇન છે. 2 લોકો સરકારી ક્વોરેન્ટાઇનમાં છે. 14 દિવસનો ક્વોરેન્ટાઈન પિરિયડ 884 લોકોએ પૂર્ણ કર્યો છે.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમા 34 જેટલા લોકોના સેમ્પલો કોરોના અંગે ચેક કરવામાં આવ્યા છે અને એ તમામ નેગેટિવ આવ્યા છે. તેમ છતાં તકેદારીના ભાગ રૂપે આગામી દિવસમાં પણ જાહેરમાં થુકનારા સામે વહીવટી તંત્ર કડક કાર્યવાહી કરશે.