વલસાડ જિલ્લા પોલીસ દ્વારા દર વર્ષે ક્રિસમસ અને 31 ડીસેમ્બરના રોજ સંઘ પ્રદેશમાંથી દારૂનો નશો કરીને ગુજરાતમાં પ્રવેશતા અનેક લોકો ઉપર કાર્યવાહી કરવામાં આવે છે. આ વર્ષે પણ ક્રિસમસની ઉજવણીને લઈને વલસાડ જિલ્લા પોલીસ હાલ એલર્ટ મોડ ઉપર છે.
થોડા દિવસ પૂર્વે તિથલ પોલીસ ચોકીના ઉદ્ઘાટન માટે આવેલા રેન્જ આઈ.જી ડોક્ટર રાજકુમારે જણાવ્યું હતું કે, ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટની ઉજવણીને ધ્યાને લઈને પોલીસ સઘન ચેકિંગ અભિયાન શરૂ કરશે. સાથે સાથે સંઘ પ્રદેશમાંથી ગુજરાતમાં પ્રવેશતા માર્ગો પર આવેલી ચેકપોસ્ટ ઉપર વધુ નજર રાખી ચેકીંગ હાથ ધરવામાં આવશે અને નવી ચેકપોસ્ટો પણ ઊભી કરવામાં આવશે. તો વળી હાલ ચેકપોસ્ટ ઉપર CCTV પણ મુકવામાં આવ્યાં છે. જે પણ આ તમામ કામગીરીમાં મદદરૂપ થઈ શકે તેમ છે.
નોંધનીય છે કે, ગત વર્ષે 31 ડિસેમ્બરના રોજ પારડી પોલીસ સ્ટેશનમાં અઢીસો જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ લોકો દારૂનો નશો કરીને સંઘપ્રદેશ દમણમાંથી ગુજરાતમાં પ્રવેશતા પાટલીયા ચેકપોસ્ટ ઉપર પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા અને જેના કારણે પકડાયેલા લોકોથી આખું પોલીસ સ્ટેશન ફૂલ થઇ ગયું હતું, ત્યારે આ વર્ષે પણ પોલીસ દ્વારા ક્રિસમસ અને નૂતન વર્ષની ઉજવણીને લઈને કામગીરીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.