વલસાડ જિલ્લાના પારડી તાલુકા પંચાયતની પરિયા બેઠક ઉપરના એક મહિલા સભ્યએ રાજીનામું આપી દીધું હતું. જે બાદ ખાલી પડેલી બેઠક માટે 29 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં પરિયામાં કુલ 6268 મતદારો પૈકી યોજાયેલા મતદાનમાં કુલ 2173 પુરૂષ મતદારો અને 2103 મહિલા મતદારો એમ કુલ 4276 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કુલ 68.5 ટકા મતદાન નોંધાયું હતું. આ મતદાન બાદ મંગળવારે 31 તારીખે પારડી મામલતદાર કચેરી ખાતે મતગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વહેલી સવારથી મતગણતરીને લઈને ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોના કાર્યકરો ભારે ઉત્સાહિત હતા કારણ કે, આ બેઠક છેલ્લા 24 વર્ષથી કોંગ્રેસ પક્ષે જાળવી રાખી હતી, પરંતુ મતગણતરીનું પરિણામ જાહેર થયા બાદ ભાજપના ઉમેદવાર રીનાબેન વિપુલભાઈ પટેલનો 1,659 મતથી વિજય થયો હતો. ખૂબ જ પ્રતિષ્ઠિત ગણાતી બેઠક ઉપર બંને પાર્ટીઓએ વિજય થવા માટે એડીચોટીનું જોર લગાવ્યું હતું. જેમાં ભાજપના કાર્યકરો દ્વારા કરવામાં આવેલા માઈક્રો પ્લાનિંગે ભાજપના ઉમેદવારને જીત અપાવી હતી. જેને પગલે વર્ષોથી કોંગ્રેસે જાળવી રાખેલી બેઠક પર ભાજપે ભગવો લહેરાવ્યો છે.
નોંધનીય છે કે, સાંસદ કે. સી. પટેલ પણ પરિયા ગામના હોવાથી આ બેઠક ઉપર તેમના માટે વિજય મેળવવો ખૂબ જ જરૂરી ગણવામાં આવતો હતો. આ સીટ પર ભાજપે જીત મેળવી પોતાની શાખ જાળવી રાખી છે. મંગળવારે વિજય મેળવ્યા બાદ ઉમેદવારને શુભેચ્છા પાઠવવા માટે અનેક અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં મતગણતરી સ્થળે ઉમટી પડ્યા હતા.