- વલસાડ જિલ્લાની છ તાલુકા પંચાયતો માટે 158 બેઠક માટે સેન્સ પ્રક્રિયા શરૂ
- દરેક તાલુકા દીઠ ભાજપ દ્વારા ત્રણ નિરીક્ષકોની સેન્સ લેવા માટે નિમણૂક કરાઈ
- તા.26 અને 27 જાન્યુઆરી દરમ્યાન બે દિવસીય સેન્સ લેવાની પ્રક્રિયા આજથી શરૂ
વલસાડ: આગામી 28 ફેબ્રુઆરીનાં રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા છ તાલુકામાં તાલુકા દીઠ ત્રણ ત્રણ નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમના દ્વારા સંભવિત ઉમેદવારોના સેન્સ લેવાની પ્રક્રિયા આજથી શરૂ થઇ છે. ત્યારે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા માટે અનેક ઉમેદવારો ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતા. ધરમપુર ખાતે પણ 24 બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
6 તાલુકા પંચાયત પૈકી એકમાત્ર ધરમપુર તાલુકા પંચાયત કોંગ્રેસના પક્ષમાં
વલસાડ જિલ્લાનાં છ તાલુકાઓ પૈકી પાંચ તાલુકામાં ભાજપનો ભગવો લહેરાયેલો છે. જોકે ધરમપુર તાલુકામાં હજુ પણ પંચાયત પર કોંગ્રેસનો કબજો છે. બીજી તરફ હાલમાં જ નવનિયુક્ત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પણ ધરમપુરનાં છે. ત્યારે આગામી ચૂંટણીમાં ધરમપુર જિલ્લા પંચાયત ઉપર વિજય મેળવવો એ તેમના માટે મોટી જવાબદારી સમાન છે. જોકે તેમણે છ-છ તાલુકા પંચાયત ઉપર ભાજપનો ભગવો લહેરાશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનેક ઉમેદવારો સંભવિત ઉમેદવારમાં સામેલ
તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સંભવિત ઉમેદવારો માટે સેન્સ લેવાની પ્રક્રિયા આજથી બે દિવસ માટે શરૂ થઈ છે. ત્યારે સંભવિત ઉમેદવારોમાં ઉચ્ચ શિક્ષા ધરાવતા અને વહીવટી કાર્યશીલતા ધરાવતા નિવૃત્ત સરકારી અધિકારીઓ, ડેપ્યૂટી મામલતદાર રહી ચૂકેલા ઉમેદવારો તેમજ ઉચ્ચ શિક્ષણ ધરાવતા અનેક ઉમેદવારો પણ ટિકિટ મેળવવાની હોડમાં છે.