- વાપી નગરપાલિકાની (Vapi Municipality) સામાન્ય ચૂંટણીમાં (General Election) 1 બેઠક બિનહરીફ
- 28 નવેમ્બરે 109 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ
- 11 વોર્ડની 43 બેઠક માટે ચૂંટણી સ્પર્ધા
વાપીઃ વાપી નગરપાલિકામાં (Vapi Municipality) યોજાનારી સામાન્ય ચૂંટણી (General election) માટે મંગળવારે ઉમેદવારી ફોર્મ (Subscription form) પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. ચૂંટણીમાં મેદાને ઉતરેલા 116 માન્ય ઉમેદવારો પૈકી 6 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. આ સાથે જ વોર્ડ નંબર-10માં ભાજપના ઉમેદવાર સામે અન્ય કોઈ પક્ષના ઉમેદવારે ફોર્મ ન ભરતા 1 બેઠક બિનહરીફ થઈ હતી. જ્યારે કુલ 11 વોર્ડની 43 બેઠકો માટે હવે 109 ઉમેદવારો વચ્ચે ચૂંટણી સ્પર્ધા થશે.
આ પણ વાંચો- Gujarat Assembly Election 2022 : રાજકીય પક્ષોએ જનસંપર્ક અભિયાન શરૂ કર્યું, ચૂંટણી પહેલાંનો પ્રથમ તબક્કો
172 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, 116 ફોર્મ માન્ય રહ્યા
જિલ્લાના વાપી નગરપાલિકામાં (Vapi Municipality) આગામી 28 નવેમ્બરે સામાન્ય ચૂંટણી (General election) યોજાશે. આ ચૂંટણી કુલ 11 વોર્ડના 44 સભ્યો માટે યોજાવાની હતી, જેમાં ઉમેદવારી ફોર્મ ભરતી વખતે ભાજપે (BJP) તેમના 44 સભ્યો, કોંગ્રેસે (Congress) તેમના 43 સભ્યો અને આમ આદમી પાર્ટીએ (AAP) 25 સભ્યો, જ્યારે 4 અપક્ષ ઉમેદવારો તેમ જ અન્ય ડમી ઉમેદવારો મળી કુલ 172 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. ત્યારબાદ ફોર્મ ચકાસણી દરમિયાન 116 ફોર્મ માન્ય રહ્યા હતા. જ્યારે 56 ફોર્મ અમાન્ય રહ્યા હતા. આમાંથી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ સુધીમાં 6 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચતા કુલ 110 ઉમેદવારો આ ચૂંટણી જંગમાં હતાં. જેમાં પણ વોર્ડ નંબર- 10માં 1 બેઠક પર માત્ર ભાજપના મહિલા ઉમેદવારે જ ફોર્મ ભર્યું હોય તે એક બેઠક બિનહરીફ થઈ હતી.
ભાજપના 43, કોંગ્રેસના 43, આપ પાર્ટીના 22 અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ
અત્યારે નગરપાલિકાના કુલ 11 વોર્ડની 43 બેઠક માટે હવે 109 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના (BJP) 43, કોંગ્રેસના (Congress) 43, આપ પાર્ટી (AAP)ના 22 અને એક અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ચૂંટણી અંગે પાલિકાના તમામ 11 વોર્ડ મુજબ ચૂંટણી લડી રહેલા ઉમેદવારની વાત કરીએ તો, વોર્ડ નંબર 1માં 11, વોર્ડ નંબર- 2માં 12, વોર્ડ નંબર- 3માં 11, વોર્ડ નંબર- 4માં 8, વોર્ડ નંબર- 5 માં 8, વોર્ડ નંબર- 6માં 10, વોર્ડ નંબર- 7માં 11, વોર્ડ નંબર- 8માં 10, વોર્ડ નંબર- 9માં 12, વોર્ડ નંબર- 10માં 6 અને વોર્ડ નંબર- 11માં 8 ઉમેદવારો વચ્ચે આ સ્પર્ધા થશે.
આ પણ વાંચો- 2022 ચૂંટણીની તૈયારીઃ પાટણમાં કૉંગ્રેસ નો જનજાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો
28 નવેમ્બરે મતદાન અને 30 નવેમ્બરે મતગણતરી
ઉલ્લેખનીય છે કે, વાપી નગરપાલિકામાં (Vapi Municipality) ગત ટર્મ ભાજપને ફાળે રહી હતી. ગઈ ટર્મમાં કુલ 44 બેઠકમાંથી 41 બેઠક ભાજપે મેળવી હતી. જ્યારે કોંગ્રેસને ફાળે માત્ર 3 બેઠક રહી હતી. જ્યારે આ વખતે ભાજપ (BJP)-કોંગ્રેસ (Congress) ઉપરાંત આમ આદમી પાર્ટીએ (AAP) પણ તેમના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેને લઈને કુલ 11 વોર્ડ પૈકી 8 વોર્ડમાં ત્રિપાંખિયો જંગ ખેલાશે, જેમાં કોણ બાજી મારશે તે તો હવે 28મી નવેમ્બરના મતદાન અને 30મી નવેમ્બરના પરિણામ બાદ જ જાણવા મળશે.