વલસાડઃ જિલ્લાના ભીલાડ ખાતે ભીલાડ ગ્રામ પંચાયત અને જિલ્લા પોલીસવડાએ શ્રીજી હોસ્પિટલના તબીબના સહકાર સાથે એકાદ સપ્તાહનો નિઃશુલ્ક આરોગ્ય તપાસ કાર્યક્રમ હાથ ધર્યો છે. આ અંગે ભીલાડ પંચાયતના કપિલ જાદવે વિગતો આપી હતી કે, જિલ્લા પોલીસવડા સુનિલ જોશીએ આદેશ આપ્યો છે કે, ગામમાં જેટલા પણ 60 વર્ષથી વધુની ઉંમરના વડીલો છે, તેમને કોઈ રોગ બીમારી છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે.
આ સૂચના આધારે રવિવારથી જિલ્લા પોલીસવડા સુનિલ જોશીની ઉપસ્થિતિમાં ગામના કુલ વડીલોમાંથી 12-12 વડીલોની ટીમ બનાવી સાંજે 5થી 7 સુધીના સમયમમાં તેમને અગવડ ના પડે તે મુજબ સમય આપી નિઃશુલ્ક નિદાન હાથ ધર્યું છે. દરરોજ આ વ્યવસ્થા મુજબ વડીલોને સોશિયલ ડિસ્ટન્સ જાળવી તેમનું નિદાન કરી તેમને જે પણ જૂની બીમારી છે, તેનો ડેટા એકત્ર કરવામાં આવશે. આ ડેટા જિલ્લા પોલીસવડા પાસે અને ગ્રામપંચાયત પાસે રહેશે.
આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય હાલમાં કોરોના મહામારી દરમિયાન વડીલોને અને જે લોકો બ્લડપ્રેશર, ડાયાબિટીસ કે અન્ય રોગથી પિડાય છે, તેમને જલ્દી લાગતો હોવાના તારણ આધારે એવા વડીલ લોકોને સ્વસ્થ રાખવાનો અને જરૂરી દવા પુરી પાડવાનો છે.