પબજી ગેમ તેમજ મોમો ચેલેન્જના કારણે બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધ્યું છે. આ ગેમને કારણે બાળકો અને યુવાનોના અભ્યાસ ઉપર તેમજ વ્યવહાર,વર્તન,વાણી અને વિકાસ ઉપર સીધી અસર પડે છે. જે હકીકતને ધ્યાને લઇ વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણે એક જાહેરનામા દ્વારા વલસાડ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે હેતુસર પબજી ગેમ તેમજ મોમો ચેલેન્જ રમવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
સાથે-સાથે જે પણ વ્યક્તિને વલસાડ જિલ્લાના કોઇપણ વિસ્તારમાં આવી ગતિવિધિમાં ભાગ લેતા જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા પણ અનુરોધ કરાયો હતો. આ હુકમ ગુના તપાસની કામગીરી અને શૈક્ષણિક સંશોધનના કામે કરવામાં આવતી કાર્યવાહીને લાગુ પડશે નહીં. હુકમનો ભંગ કરનાર ભારતના ફોજદારી અધિનિયમ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ મુજબ શિક્ષાને પાત્ર થશે.