વલસાડ શહેરના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ કાયદાની જાગૃતિ લોકો સુધી પહોંચી રહે તે માટે માર્ગદર્શન અંગે સેમિનાર યોજવામાં આવ્યો હતો. જિલ્લાના તમામ ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં ઘરેલુ હિંસાના બનાવો બનતા અટકે લોકોમાં જાગૃતતા ફેલાવવાનો હેતુસર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના સચિવ બી.એમ ઘાસુરાએ મહિલાઓ માટે અમલી પ્રવર્તમાન કાયદાઓ વિશે તથા મહિલાઓને મળતી સહાય વિશે વિસ્તૃત જાણકારી આપી હતી. આ તમામ જાણકારી અંગે પોતાના મિત્ર વર્તુળોમાં ચર્ચા કરી તેઓને પણ માહિતગાર કરવા અનુરોધ કર્યો હતો. આ સાથે પ્રોટેક્શન ઓફિસર શૈલેષ કણજારીયાએ ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫ અંગેના કાયદામાં મહિલાઓ માટેની જોગવાઈ, મહિલાઓને સંરક્ષણ અને મહિલાઓ આ બાબતે ક્યાં અને કેવી રીતે રજૂઆત કરી શકે તે અંગેની તમામ માહિતી તેમણે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરીને આપી હતી. આ સાથે મહિલા સંવરક્ષણ અને દહેજ અટકાયત અધિનિયમ 1961 અંગે જાણકારી આપી હતી.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં ઘરેલુ હિંસાના દર માસે દસથી વધુ કિસ્સાઓ સામે આવી રહ્યા હોવાનું ખુદ પ્રોટેક્શન ઓફિસરે જણાવ્યું હતું. ત્યારે ગ્રામીણ કક્ષાએ વધુમાં વધુ મહિલાઓ સમગ્ર કાયદા અંગે જાગૃત થાય તેવા હેતુસર દર ત્રણ મહિને આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આગામી દિવસમાં પણ ગ્રામીણ કક્ષાએ જાગૃતતા સેમિનારનું આયોજન કરવામાં આવશે તે અંગે પણ તેમણે જાણકારી આપી હતી.