વાપીઃ લોકડાઉન અને કોરોના મહામારીના કહેર વચ્ચે વતન જવા અકળાયેલા કામદારો માટે કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે સ્પેશિયલ શ્રમિક ટ્રેનનું આયોજન કર્યું છે. જે અંતર્ગત વાપીથી પણ 2 ટ્રેન યુપી રવાના કરી છે. વાપીમાં પેટિયું રળવા આવેલા અને હવે વતન જવા માંગતા પ્રવાસી વલસાડ જિલ્લાના વાપીમાં ખાસ ચાર સ્થળોએ કેમ્પનું આયોજન કરી 750 રૂપિયા ભાડા સાથે રેલવે વિભાગ, નગરપાલિકા દ્વારા સ્પેશ્યલ ટ્રેનમાં વતન યુપી પહોંચાડવામાં આવી રહ્યા છે.
શનિવારે જોનપુર માટે વાપીથી એક ટ્રેન રવાના કરાઈ હતી અને રવિવારે બપોરે 2 વાગ્યે UPના અઝમગઢ માટે 1200 પ્રવાસીઓ સાથેની ટ્રેન રવાના કરાઈ હતી. આ અંગે વાપી ગુજરાત રેલવે પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર યુ.વાય.સોલંકીએ જણાવ્યું હતું કે વાપી રેલવે સ્ટેશને બસ મારફતે પ્રવાસી મજૂરોને લાવવામાં આવે છે. જે બાદ સંપૂર્ણ તકેદારી રાખી તેઓને સોશ્યલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝ કરી રેલવે સ્ટેશનમાં પ્રવેશ આપવામાં આવે છે અને ટ્રેનના જે તે કોચમાં બેસાડી શુભયાત્રાના અભિનંદન આપી રવાના કરાઈ રહ્યા છે.