વલસાડઃ જિલ્લામાં દર વર્ષે 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત વનવિભાગ દ્વારા વિવિધ વિસ્તારમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાય છે. જે પૈકી આ વખતે ધરમપુર રેન્જ વનવિભાગ દ્વારા ચિત્ર સ્પર્ધા સહિત અનેક આયોજનો કરવામાં આવ્યા હતા.
આજે કાર્યક્રમના અંતિમ પડાવમાં ધરમપુર નજીક આવેલા રાજપુરી ખાતે જંગલ ખાતાની નર્સરીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધરમપુર વિજ્ઞાન કેન્દ્રના પ્રજ્ઞેશભાઈ તેમજ wildlife વેલ્ફેર ફાઉન્ડેશન નવસારીના વિપુલ પટેલના સહયોગથી ઉપસ્થિત રહેલા લોકોને વન્ય પ્રાણીઓને બચાવવા માટે તેમજ લોકો અને પ્રાણીઓ વચ્ચે થતા ઘર્ષણમાં પ્રાણીઓને કઈ રીતે બચાવી શકાય તે અંગેની માહિતી આપવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકાના વિસ્તારમાં સરીસૃપો જે ચોમાસા દરમિયાન ખૂબ જ સક્રિય હોય છે અને લોકોમાં કેટલાક જાનવરો માટે કેટલીક માન્યતાઓ પ્રવર્તતી રહી છે. આ તમામ માન્યતાઓને દૂર કરવા મહત્વની એવી જાણકારીઓ wildlife વેલ્ફેર ફાઉન્ડેશન નવસારીના કાર્યકર્તાઓએ લોકોને આપી હતી.
આ ઉપરાંત ઝેરી, બિન ઝેરી સાપો અંગે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમ્યાન ધરમપુર આર. એફ. ઓ. હિરેન પટેલ સહિત વાઈલ્ડ લાઇફ વેલ્ફેર ફાઉન્ડેશનના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગામના અગ્રણીઓ, ફોરેસ્ટ વિભાગમાં કામ કરતા કર્મચારીઓ, મજૂરો સહિત અનેક લોકોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.