- લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા સામે થશે કાર્યવાહી
- ઉલ્લંઘન કરનારાઓ સામે દસ હજારનો દંડ ફટકારવામાં આવશે
- ગામમાં સંક્રમણ ન ફેલાય તેવા ઉમદા હેતુથી સાત દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન
વલસાડ જિલ્લામાં વધતા જતા સંક્રમણને ધ્યાને લેતા દરેક ગ્રામ પંચાયત દ્વારા શનિ રવિના દિવસોમાં લોકડાઉન નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે કપરાડા ગ્રામ પંચાયત દ્વારા પણ સાત દિવસ માટે સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કપરાડાના અંતરિયાળ વિસ્તારમાંથી મોટા ભાગના લોકો વાપી અને વલસાડ જેવા વિસ્તારમાં રોજમદાર કરી મજૂરી કામ કરવા માટે જતા હોય છે. તેમના દ્વારા કપરાડાના મુખ્યમથક ભરાતા બજારમાં સંક્રમણ ફેલાવવાની પૂરેપૂરી શક્યતા છે તેને જોતા કપરાડા ગ્રામ પંચાયત દ્વારા 18 એપ્રિલથી 25 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન કરવાનો નિર્ણય કરાયો છે.
સ્વૈચ્છીક લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા દુકાનદારો સામે 10 હજારનો દંડ લેવાશે
ETV ભારત સાથે ખાસ વાતચીત કરતા કપરાડાના સરપંચ ચેન્ડર ભાઈએ જણાવ્યું હતું કે, રવિવારના રોજથી શરૂ થનારા સાત દિવસનો લોકડાઉનમાં દરેક દુકાનદારોએ જોડાવવા માટે સૂચન કરવામાં આવ્યું હતું અને તમામ લોકો તેમાં જોડાય તે માટે સહયોગ આપવા પણ જણાવ્યું છે પરંતુ તેમ છતાં પણ જો આ સ્વૈચ્છીક લોકડાઉનનું કોઈ ઉલ્લંઘન કરશે તો તેવા દુકાનદારો સામે ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા 10 હજારનો દંડ ફટકારવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:સુરતના મહુવા તાલુકાના અનેક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન, આવશ્યક ચીજવસ્તુઓ સિવાય તમામ દુકાનો બંધ
પ્રાથમિક જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનોને સ્વૈચ્છીક લોકડાઉનમાંથી મુક્તિ
પ્રાથમિક જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે દવાખાનુ, દવાની દુકાન તેમજ ટાયર પંચરવાળાની દુકાનને આ સ્વૈચ્છીક લોકડાઉનમાંથી મુક્તિ આપવામાં આવી છે. કારણ કે, અંતરિયાળ વિસ્તાર હોવાથી તેમજ સ્ટેટ હાઇવે નજીક હોવાને કારણે લોકોને આ જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કોઈપણ સમયે જરૂરિયાત ઊભી થઈ શકે તેમ છે જે માટે લોકડાઉનમાં આ દુકાનદારોને હાલ મુક્તિ આપવામાં આવી છે.
ગ્રામજનોના સ્વાસ્થ્યની જવાબદારી સરપંચની
સમગ્ર ગુજરાતમાં વધતા જતા કોરોના સંક્રમણના કેસોને જોતા હજુ સુધી ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પ્રકારે સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ ગ્રામીણ કક્ષાએ વધતા જતા સંક્રમણને જોતા ગામની તેમજ ગામમાં વસવાટ કરતા લોકોની જવાબદારી ગામના સરપંચની હોય છે અને આ જવાબદારી નિભાવવાના હેતુથી ગામના સરપંચો ખુદ આગળ આવી સ્વૈચ્છીક લોકડાઉન કરવું જોઈએ તેવા વિચારને આધીન કપરાડાના સરપંચ દ્વારા સાત દિવસનું સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો છે અને જેને વેપારીઓએ પણ વધાવી લીધો છે.
આ પણ વાંચો:સુરતના કડોદ અને માંડવીમાં બપોર પછી સ્વૈચ્છીક લોકડાઉન
સ્વૈચ્છીક લોકડાઉન કરવાનો નિર્ણય વેપારીઓના હિતમાં
કપરાડાની હોટલ દુકાનો તેમજ અન્ય ધંધા રોજગાર કરતાં વેપારીઓએ જણાવ્યું હતું કે, ગામના સરપંચ દ્વારા લેવામાં આવેલો નિર્ણય લોકોના હિત માટે ખૂબ જરૂરી છે. હાલમાં જે રીતે કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધતું જઈ રહ્યું છે તેને જોતા ખુદ સરકારે લોકડાઉન કરવું જોઈએ, પરંતુ સરકારે ન કરતા ગામના સરપંચે પગલું લીધું છે. તે ખૂબ જ યોગ્ય છે અને લોકડાઉન થવું જ જોઈએ તેમાં તમામ વેપારીઓએ પણ સહયોગ આપવાનો નિર્ણય કર્યો છે.