ઉતરાયણ એટલે મકરસંક્રાંતિ પર્વના દિવસે લોકો પતંગ ચગાવીને આનંદ માણતા હોય છે. પતંગના દોરાનો માંજો કેટલો જીવલેણ હોય છે તે તો પક્ષીઓ જ જાણે છે. કારણ કે, ઘણીવાર પતંગ ચગાવતા પણ આંગળા કપાઇ જતા હોય છે. ત્યારે આ દોરો પક્ષીઓ માટે ખાસ કરીને જીવલેણ સાબિત થતો હોય છે. ત્યારે આવા પક્ષીઓના જીવ બચાવા માટે ગુજરાત સરકારે પહેલ કરીને દરેક જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
વલસાડ જિલ્લામાં પણ મકરસંક્રાંતિના પર્વની અનુલક્ષી કરુણા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ કેટલાક સારવાર કેન્દ્રો અને પોઈન્ટો બનાવવામાં આવ્યા હતા. જેમાં ત્રણ દિવસો દરમિયાન ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી. કેટલાક કબૂતરો, કાગડાને પણ પતંગની દોરીમાં ફસાયેલા તેમજ ઈજાગ્રસ્ત હાલતમાં હતા. તેઓને આવા સેન્ટરો ઉપર લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી.
આ ત્રણ દિવસ દરમિયાન વાત કરીએ તો મકરસંક્રાંતિના દિવસે એટલે કે તારીખ14ના રોજ 22 જેટલા પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા. જેમાં 2ના મોત થયા હતા. જ્યારે તારીખ 15ના રોજ અન્ય 22 જેટલા પક્ષીઓને બચાવવામાં આવ્યા અને જેમાં 5 ના મોત નિપજ્યાં હતા. તે ઉપરાંત તારીખ 16ના રોજ સવારથી બપોર સુધીમાં 6 જેટલા પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા. આવી રીતે મકરસંક્રાંતિ પર્વે પર કુલ 40થી વધુ પક્ષીઓને કરુણા અભિયાન અંતર્ગત પતંગના દોરામાં મોતને ભેટે તે પૂર્વે બચાવી લેવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર જિલ્લામાં અનેક જગ્યાઓ ઉપર વિવિધ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા હતા. તેમજ 14 જેટલી સામાજિક સંસ્થાઓના કાર્યકરો દ્વારા પક્ષીઓને બચાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી.