વલસાડ: 31 લાખ રુદ્રાક્ષ દ્વારા નિર્મિત સવા 31 ફુટના વિરાટ રુદ્રાક્ષ શિવલિંગને ભક્તોના દર્શન માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. નાણાં અને ઊર્જાપ્રધાન કનુ દેસાઈ, ઉપદંડક વિજય પટેલ, ધારાસભ્ય અરવિંદ પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં ભવ્ય મહાશિવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો હતો.
પાંચમી વખત લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સમાં સ્થાન: 12થી 18 ફેબ્રુઆરી દરમિયાન મહાશિવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રુદ્રાક્ષ વિશેષજ્ઞ અને પ્રખ્યાત શિવ કથાકાર બટુક ભાઈ વ્યાસના મુખે શિવકથાનો આરંભ થયો છે. તિસ્કરીના રુદ્રાક્ષ શિવલિંગ સાથે કથાકાર બટુકભાઈ વ્યાસ પાંચમી વખત લિમ્કા બુક ઓફ રેકૉર્ડ્સમાં સ્થાન પામશે. રુદ્રાક્ષ શિવલિંગની સાથે સાથે શિવકથા, સમૂહલગ્ન અને રકતદાન કેમ્પ પણ યોજાશે.
આ પણ વાંચો: MahaShivratri 2023: તમામ મનોકામના પૂર્ણ કરશે પાર્થેશ્વર શિવલીંગ, જાણો પૂજા-અભિષેક વિશે
શિવકથાની ભવ્ય અને દિવ્ય શરૂઆત: શિવ-કથાકાર પૂ. બટુક વ્યાસ દ્વારા શિવરાત્રી મહોત્સવ દિવ્ય અને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. દર વર્ષે જુદા જુદા જિલ્લા અને રાજ્યમાં રુદ્રાક્ષ શિવલિંગના સાનિધ્યમાં શિવરાત્રી મહોત્સવ ઉજવાય છે. આ વર્ષે આ શિવરાત્રી મહોત્સવ ધરમપુર તાલુકાના તીસ્કરી ખાતે શ્રી સોમેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઉજવવાનું નક્કી કરાયું છે. આ સાથે જ જીવને શિવ તરફ ગતિ કરાવતી-મોક્ષદાયી શિવકથા, 11 કુંડી હોમાત્મક મહારુદ્ર યજ્ઞ, 15 ગરીબ દિકરીઓનું કન્યાદાન “સમૂહ લગ્ન”, વિશાળ રક્તદાન કેમ્પ તથા દરરોજ રાત્રે ભોજન -મહાપ્રસાદ - ભંડારાનું ભવ્ય આયોજન કરાયું છે. જેનો આજે ભવ્ય પોથીયાત્રા અને રુદ્રાક્ષ શિવલિંગ અનાવરણ સાથે વિધિવત પ્રારંભ થયો છે.
આ પણ વાંચો: Maha Shivratri 2023 : સનાતન ધર્મથી પ્રભાવિત થઈને ઈટાલીનું યુગલ પહોંચ્યું ભવનાથના મહા શિવરાત્રી મેળામાં
31 લાખ રુદ્રાક્ષ પર અભિષેક: આ અવસરે ભાગવતાચાર્ય પૂજ્ય પંકજભાઈ વ્યાસએ જણાવ્યું હતું કે પ્રત્યેક રુદ્રાક્ષ સ્વયં શિવ છે. 31 લાખ રુદ્રાક્ષ પર એક વાર અભિષેક કરવામાં આવે એટલે 31 લાખ શિવલિંગાર્ચન થાય, આમ લાખો શિવલિંગનો અભિષેક મહાશિવરાત્રીનાં પવિત્રકાળમાં કરવાનો પવિત્ર અવસર આપણાં વિસ્તારને પ્રાપ્ત થશે. આખા વર્ષની શ્રેષ્ઠ રાત્રિ એટલે મહાશિવરાત્રી છે એ અવસરે આ ભવ્ય અને દિવ્ય રુદ્રાક્ષ શિવલિંગના દર્શન અને અભિષેકનો લાભ લેવા આહવાન કર્યું હતું. શ્રી સોમેશ્વર મહાદેવ મહાશિવરાત્રી મહોત્સવ સમિતિ તીસ્કરી તથા સમસ્ત ગ્રામજનો અને સમિતિ ભેગા મળીને આ ભવ્ય આયોજન કર્યું છે.