ધરમપુર નજીક આવેલા એક ગામમાં 16 વર્ષીય સગીરાને ખેરગામના એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. પરંતુ આ યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લેતા બંને વચ્ચે ઝઘડો થતા બન્નેના પ્રેમ સંબંધમાં વિક્ષેપ પડયો હતો. તેમ છતાં પણ યુવક દ્વારા સગીરાને સંબંધ રાખવા માટે મળવા બોલાવી હતી. સગીરા ઘરેથી દુકાને જવાનું કહી નીકળ્યા બાદ ઘરે ન પહોંચતા તેની માતા સગીરાને શોધવા નીકળી હતી. જે દરમિયાન સગીરા નજીકની ઝાડીમાં નિર્વસ્ત્ર હાલતમાં રડતી અને આક્રંદ કરતી હાલતમાં મળી આવી હતી. જે બાદ સગીરાએ ચાર જેટલા યુવકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ જાણી પરિવારજનો હેબતાઈ ગયા હતા. આ ઘટના બાદ યુવતીના માતા-પિતાએ યુવતી સાથે પોલીસ મથકે પહોંચીને ચાર યુવકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી.
આ મામલે પોલીસે ચાર યુવકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. જેમાં ઘટનાના 21 દિવસ બાદ સાવન નરેશ નાયક, સહદેવ નરેશ નાયક, અંકિત નાયક આ ત્રણેય યુવાનો પોલીસ મથકે હાજર થઇ ગયા હતા. જ્યારે જીગ્નેશ વસુ નાયકા નામનો યુવાન હજુ પણ પોલીસ પકડથી બહાર છે. નોંધનીય છે કે, પોલીસે આ 3 યુવાનોને વલસાડની કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, હજુ એક આરોપી જીગ્નેશ નાયકા સુરતના નગરપાલિકા ફાયર વિભાગમાં ફરજ બજાવતા હોવાનું પણ આંતરિક વર્તુળો દ્વારા જાણવા મળ્યું હતું. ત્યારે હાલ આ સમગ્ર તપાસ ધરમપુર CPI કરી રહ્યી છે.