વાપી: સંઘપ્રદેશ દમણમાં રવિવારે 24 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. તો સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 18 અને વલસાડમાં 15 કોરોના પોઝિટિવ દર્દીઓ અને એક મૃત્યુ થતા અરેરાટી ફેલાઈ છે.
સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં કોરોના પોઝિટિવ દર્દીઓમાં રવિવારે પણ વધારો નોંધાયો હતો. રવિવારે દમણમાં 24 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 14 દર્દીઓને સારવારમાંથી રજા આપવામાં આવી હતી.
દમણમાં કુલ હાલ 152 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 311 દર્દીઓને સારવારમાંથી મુક્તિ આપવામાં આવી છે. દમણમાં હાલ 10 નવા કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ 102 કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં પણ રવિવારે કોરોનાનો રાફડો ફાટ્યો હતો. દાદરા નગર હવેલીમાં વધુ 18 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. જેની સામે 7 દર્દીઓ રિકવર થયા હતાં. દાદરા નગર હવેલીમાં કુલ દર્દીઓની સંખ્યામાં 188 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 232 દર્દીઓને સારવારમાંથી મુક્તિ આપવામાં આવી છે. નવા 9 કન્ટેનમેન્ટ ઝોન સાથે કુલ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 171 પર પહોંચી છે.
વલસાડ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં રવિવારે વધુ 15 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. તો, 7ને રજા આપવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં રવિવારે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
વલસાડ જિલ્લામાં કુલ 554 દર્દીઓ નોંધાયા છે. જેમાંથી 183 સારવાર હેઠળ તો 320ને સારવારથી મુક્તિ આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 54 પર પહોંચ્યો છે.