વલસાડ: પારડી મામલતદાર કચેરી ખાતે આવેલા ઓડિટોરિયમમાં વિવિધ વિભાગોને સ્પર્શ કરતા જાહેર જનતાના પ્રશ્નોના નિરાકરણ માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, કોઇ અગમ્ય કારણસર જિલ્લા કલેકટર હાજરી ન આપી શકતા આ કાર્યક્રમ પારડી પ્રાંત અધિકારી દ્વારા યોજવામાં આવ્યો હતો. જેમાં પારડી નગરના ઈલેક્ટ્રીકને લગતા ટ્રાન્સફોર્મર હટાવવા અંગેના પ્રશ્નો પાવર બ્લોક લગાવવા અંગેના પ્રશ્નો તેમજ ઉદવાડા ગામ વિસ્તારના ડ્રેનેજને લગતા પ્રશ્નો તો કેટલાક પોલીસ તંત્ર સાથે જોડાયેલા અને બેન્કિંગ સાથે જોડાયેલા પ્રશ્નો પણ આ જ કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે આ કાર્યક્રમ દરમિયાન મીટીંગ હોલમાં વહીવટી તંત્ર દ્વારા અરજદારો માટે માઈકની સુવિધા મૂકવામાં આવી ન હતી. જેના કારણે અધિકારીઓ શું બોલી રહ્યા છે અને શું જવાબ આપી રહ્યા છે તે છેલ્લે બેસેલા અરજદાર સુધી અવાજ પહોંચતો જ નહતો. જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી તરફ મોટી સંખ્યામાં આવેલા અરજદારોને મીટીંગ હોલમાંથી બહાર કાઢીને અન્ય રૂમમાં બેસાડવામાં આવ્યા હતા. અને કોર્ટ રૂમમાં જે રીતે લોકોને બોલાવી પ્રશ્નો પૂછવામાં આવે છે એ રીતે અરજદારોને વ્યક્તિ દીઠ એક એક કરીને બોલાવી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને તેનો તેઓને જવાબ આપવામાં આવ્યો હતો. મહત્વનું છે કે ગ્રામીણ કક્ષાથી આવેલા અનેક અરજદારોએ જણાવ્યું કે આ સમગ્ર કાર્યક્રમ માત્ર દેખાવ પૂરતો છે અને તદન ફ્લોપ હોય એવું જણાય છે. લોકોને તેમના પ્રશ્નોના સંતોષકારક જવાબ મળ્યા જ નથી માત્ર અધિકારીઓએ ગોળ ગોળ જવાબ આપી જે તે વિભાગના અધિકારીને સુચના આપીને અરજદારોને રવાના કરી દીધા હતા.
નોંધનીય છે કે, પ્રાંત અધિકારી સીબી પટેલે જણાવ્યું હતું કે આજમ સંવાદ કાર્યક્રમમાં કુલ 23 જેટલા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં એક બે ને બાદ કરતા તમામ પ્રશ્નોનો સુખદ નિરાકરણ કરી જે તે વિભાગના અધિકારીને પ્રશ્નોને હલ કરવા માટે સૂચના આપવામાં આવી છે.