- કોરોનામાંથી રિકવરી પછી આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય
- આ ઈન્ફેક્શન પછી 20થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે
- રોગને પકડવા માટે સિટી સ્કેન, એન્ડોસ્કોપી કે બાયોપ્સી કરાવવી પડે
વલસાડ : કોરોનામાંથી રિકવરી પછી આ ફંગલ ઈન્ફેક્શન સૌ પ્રથમ સાઈનસમાં થાય છે. અહીંથી આંખ સુધી પહોંચતાં 2થી 4 દિવસ લાગે છે. આંખથી મગજ સુધી પહોંચવામાં માત્ર એક જ દિવસ લાગે છે. આ ઈન્ફેક્શન પછી 20થી 30 ટકા કેસમાં આંખોની રોશની જતી રહે છે. વલસાડ જિલ્લા માટે રાહતના સમાચાર છે કે, હજુ સુધી આવા એક પણ કેસને વલસાડ જિલ્લામાં સારવાર આપવામાં આવી નથી. વાપીની ખાનગી હોસ્પિટલમાં 2 દર્દીઓમાં મ્યુકોમાઈક્રોસિસના લક્ષણો દેખાતા તેને તાત્કાલિક સુરત-મુંબઈની હોસ્પિટલમાં વધુ સારવાર માટે રીફર કરી દેવામાં આવ્યાં છે.
ચારેક દિવસમાં 2 મ્યુકોમાઈક્રોસિસના શંકાસ્પદ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં આવ્યા
વલસાડ જિલ્લાના વાપીમાં મ્યુકોમાઈક્રોસિસના દર્દીઓ નોંધાયા છે. તેની દવા-ઇન્જેક્શન મેડિકલમાં ઉપલબ્ધ છે કે, કેમ તે અંગે ETV Bharatએ સૌપ્રથમ વાપીના અદિત હોસ્પિટલના તબીબ ડૉ. તેજસ શાહનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો. ડૉ. તેજસ શાહે જણાવ્યું હતું કે, ચારેક દિવસમાં 2 મ્યુકોમાઈક્રોસિસના શંકાસ્પદ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં આવ્યા હતાં. જેને વધુ સારવાર માટે સુરત-મુંબઈ રીફર કર્યા હતા. જે અંગે ચોક્કસ વિગતો નથી. પરંતુ આ રોગની સારવાર ખૂબ મોંઘી છે. તેમના દવા-ઇન્જેક્શનના પ્રિસ્ક્રિપ્શન મેડિકલમાં આવી રહ્યા છે. જો કે, તેનો પૂરતો સ્ટોક નથી. વાપીને બદલે મુંબઈ-સુરતમાં તેની સારવાર શક્ય હોય ત્યાં રીફર કરવામાં આવે છે.
મ્યુકોમાઈક્રોસિસના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી
મ્યુકોમાઈક્રોસિસ માટે વલસાડ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં કેવી વ્યવસ્થા છે. તે અંગે ETV Bharatએ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડૉ. અમિત શાહ સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી. રાજ્ય સરકારના આદેશ મુજબ વલસાડ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોમાઈક્રોસિસના દર્દીઓ માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હોસ્પિટલના તબીબો સાથે બેઠક કરી ચર્ચા કરવામાં આવી છે. જો કે, હજુ સુધી સિવિલમાં એક પણ દર્દીને સારવાર આપવામાં આવી નથી. પંરતુ સાંપ્રત સમય અને સરકારશ્રીની સુચનાને ધ્યાને રાખી તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જો કોઈ પેશન્ટ આવશે તો, તેને સારવાર અને દવા મળી રહેશે.
રોગનો મૃત્યુદર લગભગ 50 ટકા જેટલો ઊંચો
તબીબોનું માનીએ તો મ્યુકોમાઈક્રોસિસ વાળા દર્દીઓમાં તેનું ઈન્ફેકશનને મગજ સુધી પહોંચતું રોકવા માટે દર્દીઓની આંખ જ કાઢી નાખવામાં આવે છે. આમ છતાં આ રોગનો મૃત્યુદર લગભગ 50 ટકા જેટલો ઊંચો છે. આ રોગને પકડવા માટે સિટી સ્કેન, એન્ડોસ્કોપી કે બાયોપ્સી કરાવવી પડે છે. કોરોના રિકવરી પછી જેની ઈમ્યુનિટી સાવ ઘટી ગઈ હોય એવા દર્દીઓ આસાનીથી આ રોગની ઝપેટમાં આવી જાય છે.
4થી 5 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હોય તેવા દર્દીને થવાની શકયતા
મ્યુકોમાઈક્રોસિસ થવાના કારણો અંગે ETV Bharatએે વાપીના ડૉક્ટર એસોસિએશનના પૂર્વ પ્રમુખ ડૉ. પ્રકાશ શાહ સાથે પણ ટેલિફોનિક વાત કરી હતી. મ્યુકોમાઈક્રોસિસ મોટેભાગે ત્રણ કારણોના સમન્વય થયા પછી થતો હોય છે. જેમાં પ્રથમ જે દર્દીને ડાયાબિટીસ હોય, કોરોના થયો હોય અને તેને 4થી 5 દિવસ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હોય તેવા દર્દીને થવાની શકયતા છે. પરંતુ ડાયાબિટીસ છે કોરોના થાય પણ વેન્ટિલેટર પર રાખવાની નોબત નથી આવતી. તેને મ્યુકોમાઈક્રોસિસ થવાની નોબત પણ નથી આવતી. કોરોના થયો હોય અને ડાયાબિટીસ ના હોય તો તેવા દર્દીમાં પણ મ્યુકોમાઈક્રોસિસ થવાનું જોખમ ઉભું થતું નથી.
આ પણ વાંચો : વડોદરાઃ કોરોનાના કહેર વચ્ચે મ્યુકોર માઈકોસીસ રોગના દર્દીઓ સામે આવતા આરોગ્ય તંત્ર બન્યું સાબદુ
પાણી શુદ્ધ ના હોય તો મ્યુકોમાઈક્રોસિસ થવાની શક્યતા
તબીબ પ્રકાશ શાહે મ્યુકોમાઈક્રોસિસ માટે ડાયાબિટીસ, કોરોના અને વેન્ટિલેટરના સમન્વય પાછળનું કારણ સમજાવતા જણાવ્યું હતું કે, જ્યારે ડાયાબિટીસ ધરાવતા દર્દીને કોરોના થયા પછી તેને વેન્ટિલેટર પર સારવાર આપવામાં આવે છે ત્યારે ઓક્સિજન પર રખાય છે. આ ઓક્સિજનથી ફેફસા સુકાઈ ના જાય, તેમાં થોડું ભેજનું પ્રમાણ જળવાય રહે તે માટે તેને 200થી 400 મિલી શુદ્ધ પાણી સાથે અપાય છે. જો આ પાણી શુદ્ધ ના હોય તો મ્યુકોમાઈક્રોસિસ થવાની શક્યતા રહે છે. હાલના સમયમાં આ સાવચેતી પૂરતા પ્રમાણમાં હોસ્પિટલમાં રાખવી શક્ય નથી. કદાચ આ કારણે પણ કોરોના કાળમાં ડાયાબિટીસ ધરાવતા દર્દીને કોરોનાની સારવાર માટે વેન્ટિલેટર પર રાખ્યા પછી જ્યારે તે દર્દી કોરોનામાંથી સાજો થઈ જાય છે પરંતુ એ દરમિયાન મ્યુકોમાઈક્રોસિસનો શિકાર બની જાય છે.
મેડિકલ સ્ટોરવાળા પણ આ મોંઘા ઇન્જેક્શન અને દવાનો સ્ટોક રાખતા અચકાય
રાજ્યના અમદાવાદ-સૂરત જેવા શહેરોમાં મ્યુકોમાઈક્રોસિસના કેસ વધી રહ્યા છે. વલસાડ જિલ્લાના તબીબો ભગવાન પાસે પ્રાર્થના કરે છે કે, અહીં તેવા દર્દીઓના નોંધાય કેમ કે આ સારવાર ખૂબ જ ખર્ચાળ છે. એ ઉપરાંત તેમની દવા અને ઇન્જેક્શન સ્થાનિક મેડિકલોમાં કે હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. મેડિકલ સ્ટોરવાળા પણ આ મોંઘા ઇન્જેક્શન અને દવાનો સ્ટોક રાખતા અચકાય છે. જો કે, તેમ છતાં જો વલસાડ જિલ્લામાં મ્યુકોમાઈક્રોસિસના કેસ નોંધાશે તો તેમના માટે વલસાડ સિવિલ એક જ એવી હોસ્પિટલ છે જ્યાં તેની સારવાર શક્ય બનશે અથવા તો આંખોની રોશનીથી લઈને મૃત્યુ જ અંતિમ પડાવ હશે.
આ પણ વાંચો : સુરતમાં પોસ્ટ કોરોના ઇફેક્ટ: મ્યુકરમાઈકોસીસના કારણે અનેક લોકોએ ગુમાવી આખની રોશની
શુ છે મ્યુકોમાઈક્રોસિસ ?
મ્યુકોમાઈક્રોસિસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે. જેને બ્લેક ફંગસ પણ કહેવાય છે. શ્વાસ અથવા ચામડીના ઘા મારફતે ફૂગ શરીરમાં પ્રવેશ કરે છે. તેનું ઈન્ફેક્શન સ્કિન, ફેફસાં અને મગજમાં થઈ શકે છે. આ બિમારીમાં કેટલાક દર્દીઓની આંખોની રોશની જતી રહે છે. કેટલાક દર્દીઓના જડબા અને નાકના હાડકાં ખવાઈ જાય છે.
મ્યુકોમાઈક્રોસિસના લક્ષણો દેખાય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું
આંખ અને ગાલ પર સોજો, આંખોમાં બળતરા, ધૂંધળું દેખાવું, નાક બંધ થઈ જવું, નાકમાં કાળુ ક્રસ્ટ જમા થવું, નાકની ઉપરના ભાગે કાળા ડાઘ થવા, માથામાં દુખાવો, સાયનસ, ઉધરસ અને શ્વાસની તકલીફ આ રોગના મુખ્ય લક્ષણો છે. જો માથામાં અસહ્ય દુ:ખાવો થતો હોય, આંખો લાલ થઈ જાય, આંખમાં બળતરા થાય, આંખમાંથી પાણી પડે કે, આંખની યોગ્ય મુવમેન્ટ ન થતી હોય તો તાત્કાલિક ડૉક્ટરને બતાવવું જોઈએ.
રોગની સારવાર 14થી 60 દિવસની હોય
એમ્ફોટેરિસીન-બી ઈન્જેક્શન આ રોગની મુખ્ય સારવાર છે. દર્દીના વજન મુજબ પ્રતિ કિલો 5mg ડ્રગ આપવું પડે છે. જો કે, આ ઈન્જેક્શનની શોર્ટેજને કારણે ડૉક્ટર એન્ટી ફંગલ ટેબ્લેટ્સ અને લિપિડ ઈમ્યુલ્ઝન પણ આપતા હોય છે. આ રોગની સારવાર 14થી 60 દિવસની હોય છે.