શુક્રવારથી ધીમીધારે વરસી રહેલા વરસાદે રાત્રે ધોધમાર આકાશી પાણી વરસાવ્યું હતું. શુક્રવારના રાત્રીના દસ વાગ્યાથી શનિવારના બપોરના 12 વાગ્યા સુધીમાં વાપીમાં 14 ઇંચ વરસાદ વરસતા ઠેરઠેર પાણી ભરાયા છે. પવન સાથે વરસતા વરસાદના કારણે ક્યાક નાના-મોટા ઝાડ ધરાશાયી થયા છે. વરસાદના પગલે લોકોના ઘરમાં પાણી ભરાયા છે.
બપોરે 12 વાગ્યા સુધી સતત વરસતા વરસાદથી નીચાણવાળા વિસ્તારોની સોસાયટીમાં ઘૂંટણસમાં પાણી ભરાયા હતા. શાળાએથી આવતા બાળકો, શાળાની બસો, અન્ય રાહદારીઓ અને વાહનચાલકોને પાણીમાંથી પસાર થવાની નોબત આવી હતી.
વાપી શહેરની વાત કરીએ તો ચોવીસ કલાકમાં 231 mm અને બીજા છ કલાકમાં 114 mm વરસાદ વરસ્યો હતો. આ સાથે જ વાપી શહેરમાં મૌસમનો કુલ આંકડો 2013 mm પર પહોંચ્યો છે.
વાપીના જલારામ મંદિરના હોલમાં પાણી ભરાઈ જતા મહાપ્રસાદ લેવા આવતા અને દર્શને આવતા દર્શનાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આસપાસની સોસાયટીમાં પણ ઘૂંટણ સુધીના પાણી ભરાતા કેટલીક દુકાનો અને એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં પાણી ભરાયા હતા. લોકોને આ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા.
સમગ્ર જિલ્લામાં 6 કલાકના વરસાદી આંકડાની વાત કરીએ તો,
- ઉમરગામઃ 48 mm
- કપરાડાઃ 102 mm
- ધરમપુરઃ 135 mm
- પારડીઃ 82 mm
- વલસાડઃ 82 mm