વલસાડઃ 19 જૂનના રોજ યોજાનાર ગુજરાત રાજ્યસભાની ચાર બેઠકની ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે દરેક ધારાસભ્યોનો મત ખૂબ જ કિંમતી છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે છેલ્લા એક મહિનાથી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. જે પૈકી કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસને રામરામ કરી રાજીનામાં આપી દીધા હતા. જેમાં વલસાડ જિલ્લાના કપરાડા બેઠક પરના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. જે બાદ કોંગ્રેસ પાર્ટીએ તેમના તૂટતા ધારાસભ્યોને બચાવવા માટે રિસોર્ટની રાજનીતિ શરૂ કરી હતી. જે અંતર્ગત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 10 ધારાસભ્યોને વલસાડના એક ખાનગી રિસોર્ટમાં રાખવામાં આવ્યા હતા.
જો કે હવે રાજ્યસભાની ચૂંટણીમાં માત્ર બે દિવસ જ બાકી છે, ત્યારે મંગળવારે આ તમામ ધારાસભ્યોને વલસાડથી અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યા છે. તેઓને અમદાવાદ ખાતે આવેલી હોટલ તાજ ઉમેદમાં રાખવામાં આવશે. જ્યાં એક દિવસ ખાસ સુવિધાઓ આપવામાં આવશે. ત્યાર બાદ ચૂંટણી માટે લઈ જશે.
મહત્વનું છે કે, એક તરફ જ્યાં ડાંગ અને કપરાડા વિસ્તારના ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે. ત્યારે આ વિસ્તારના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. તો બીજી તરફ કાર્યકરોમાં ઉત્સાહ પૂરવાની વાતને લઇને છેલ્લા બે દિવસથી ડાંગ અને કપરાડા વિસ્તારની ધારાસભ્યોએ મુલાકાત કરી છે.