- વડોદરામાં રાત્રી કરફ્યૂનો અમલ કરાવવા પોલીસ તંત્ર થયું સજ્જ
- માર્ગો પર બેરીકેટ લગાવી દેવાયા
- પસાર થતા વાહનચાલકોની સઘન પૂછપરછ કરાઈ
વડોદરા: શહેરના દાંડિયાબજાર, રાવપુરા,ગોત્રી, ઓપીરોડ ખાતે કરફ્યૂનો અમલ કરાવવા માટે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. કરફ્યૂ શરૂ થાય તે પૂર્વે જ બજારો બંધ થઈ ગયા હતા તો પોલીસ દ્વારા પણ પબ્લિક એનાઉન્સમેન્ટના માધ્યમથી સરકારની ગાઈડ લાઇન્સ સહિત કરફ્યૂનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. બરાબર 9 ના ટકોરે વડોદરા શહેર પોલીસ દ્વારા જાહેર માર્ગો,મુખ્ય રસ્તાઓ પર બેરીકેટ લગાડી દેવામાં આવ્યા હતા.અને કારફ્યુનું ચુસ્ત પાલન કરાવામાં આવ્યું હતું.
આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતાં વાહનોને જવા દેવાશે
વડોદરાના પ્રવેશદ્વારો પર DCP, PI, PSI કક્ષાના અધિકારીઓ ખડેપગે જોવા મળ્યા હતા.આવશ્યક ચીજવસ્તુઓનું વહન કરતાં વાહનોને જ શહેરમાં આવવા અને જવા દેવામાં આવશે.આ ઉપરાંત જે લોકો બિનજરૂરી બહાર નીકળેલા જણાશે તેઓ સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલ તો પોલીસ દ્વારા કરફ્યૂ દરમિયાન પસાર થતા વાહનચાલકોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. બહાર નીકળવા પાછળનું ચોક્કસ કારણ જાણ્યા બાદ જ વાહનચાલકોને જવા દેવામાં આવી રહ્યા છે.આજના આ કરફ્યૂને પગલે વડોદરાના રસ્તાઓ સૂમસામ નજરે પડ્યા છે જેને લઈ અગાઉ થયેલા લોકડાઉનની યાદ તાજા થઈ હતી.