વડોદરા: ડભોઇ નગરપાલિકાના સત્તાધીશો નગર પાલિકના વહીવટ પ્રત્યે બેધ્યાન હોવાનું જોવા મળી રહ્યું છે. વારંવાર નવા નવા વિવાદો ઉભા થતા જ રહે છે. તેવામાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ડભોઇ નગરપાલિકાના સ્ટ્રીટ લાઇટના 23 ઝોનમાંથી 3 ઝોનના કનેકશનમાં વીજ પ્રવાહ બંધ કરી કનેકશનો કાપી નાખ્યા હતા. જેના કારણે નગરના કેટલાક વિસ્તારોમાં અંધારપટ છવાઇ જવા પામ્યો હતો.
અંધારામાં રહેવાનો વારો: નગરજનોને શાસકોના વાંકે મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. નગર પાલિકાનું તંત્ર મધ્ય ગુજરાત વીજ કંપનીની બાકી પડતી રકમો સમયસર ભરતું નથી. જેના પરિણામે વીજ કંપની દ્વારા આવું કડકાઈ ભર્યું પગલું લેવામાં આવ્યું છે. જેના કારણે હાલનો નગર પાલિકા વહીવટ ચર્ચાના ચકડોળે ચડયો છે. આ અંગે જ્યારે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓનો સંપર્ક કરતા સમગ્ર વિગત જાણવા મળી હતી.
આ પણ વાંચો US Consulate General Visit Vadodara: વિઝાની ખાસ વ્યવસ્થા અંગે ખાતરી આપતા અમેરિકી અધિકારી
કરોડો રૂપિયા ભરવાનાં બાકી: જાણવા મળતી હકીકત મુજબ મધ્ય ગુજરાત વીજ કંપનીના કરોડો રૂપિયાની રકમ બાકી પડે છે. આ અંગે વીજ કંપનીના વહીવટી તંત્રએ અગાઉ આ રકમ ભરવા અંગે નગરપાલિકા તંત્રને નોટિસ આપી હતી. પરંતુ આ બાકી પડતી રકમ ન ભરતા વીજ કંપની દ્વારા સ્ટ્રીટ લાઇટના કનેકશનો કાપી નાખવાની કડક કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર સ્ટ્રીટ લાઈટોના બિલની રકમ રૂપિયા પચીસ લાખ ઉપરાંતની બાકી છે. નગરપાલિકાનું તંત્ર દિવસે દિવસે ખાડે જઈ રહ્યું છે.
આ પણ વાંચો Vadodara News : યુવા મોરચાના પ્રમુખની દાદાગીરી, ટોલનાકાના કર્મચારીને માર માર્યો
લાઇટના કનેકશનો કપાયા: નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો અગાઉ પણ કપાઈ હતી. આના ઉપરથી જોઈ શકાય છે કે 11 મહિનામાં જ ફરી વખત ગુજરાત વિદ્યુત બોર્ડ દ્વારા સ્ટ્રીટ લાઈટો કાપવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. આમ તો મધ્ય ગુજરાત વીજ કંપનીની કુલ રકમ જોવા જઈએ તો કરોડો રૂપિયાની ઉપરાંતની બાકી છે. પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસરનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે, પાલિકાએ વીજ કંપનીના સટ્રીટ લાઈટના બીલની બાકી પડતી રકમ અંગે હાલ રૂપિયા પાંચ લાખ જેટલી રકમ ભરી દેવામાં આવી છે અને બાકી પડતી રકમો પણ સત્વરે ભરાઈ જાય તેવા પ્રયત્નો હાલ ચાલુ છે. તેમજ સમગ્ર બાબતનો વેળાસર ઉકેલ લાવવામાં આવશે.
આમ હાલ તો નગર પાલિકાના શાસકો પોતાના વહીવટ અંગે ઢાંકપિછોડો કરતા હોય તેવું જણાઈ આવે છે. ડભોઇ નગરમાં ભાજપનું શાસન નગરપાલિકામાં આવતા જ નગરજનોને એવું હતું કે હવે તો નગરપાલિકાનો વહીવટ રેગ્યુલર અને સારો ચાલશે પરંતુ તેના બદલે કંઈક ઊંધું થઈ રહેલ છે. ડભોઇના નગરજનો અગાઉના નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યોને હાલમાં યાદ કરે છે કે, આના કરતાં તો પહેલાનાં બોર્ડ સારાં હતાં. જો નગરપાલિકા તંત્ર દ્વારા સમયસર બાકી પડતી રકમો ભરવામાં નહીં આવે તો હજુ પણ ડભોઇ નગરની વધુ ઝોનની સ્ટ્રીટ લાઇટોના કનેક્શન કપાશે તેવું પણ જાણવા મળેલ છે.--વિસ્તારના નગરજનો