વડોદરા : દિન પ્રતિદિન લોકોની આર્થિક અને માનસિક સ્થિતિમાં બદલાવ જોવા મળી રહ્યો છે. આ સ્થિતિમાં હાલમાં વ્યક્તિ જરૂરિયાત સામે શોખને વધુ પ્રધાન્ય આપી રહ્યો છે. જેના કારણે જરૂરિયાત કરતા વધુ મોજશોખ, દેખાવના કારણે પરિસ્થિતિથી વિપરીત જોવા મળતી હોય છે. હાલમાં પરિવારોમાં સામૂહિક આત્મહત્યાના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં છેલ્લા 6 મહિનાથી સામૂહિક આત્મહત્યાના 4 કિસ્સા સામે આવ્યા છે. જેમાં તાજેતરમાં શહેરના પિરામિતાર રોડ પર આવેલ કાછિયાપોળમાં રહેતા પંચાલ પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરીને મોતને વ્હાલું કર્યું છે. આ સમસ્યામાંથી બચવા શું કરવું જોઈએ તેનો વિચાર કરવો જરુરી છે.
આર્થિક સંકડામણના કારણે વધુ સામૂહિક આપઘાત : સતત વધી રહેલ આત્મહત્યા અને સામુહિક આત્મહત્યાના બનાવોને અટકાવવા શુ કરવું જોઈએ?. આવા બનાવો બનાવ પાછળના કારણો શુ છે?. આવા કિસ્સામાં શહેરમાં બનેલ ચાર સામુહિક આપઘાતના કિસ્સામાં ત્રણ કિસ્સા આર્થિક સંકડામણના કારણે બન્યા છે. આવી પરિસ્થિતિમાંથી કઈ રીતે બહાર આવી શકાય અને આ પરિસ્થિતિના નિર્માણ માટે કયા કારણો જવાબદાર છે, આ અંગે નિષ્ણાત મનોચિકિત્સક ડો.યોગેશ પટેલે સાથે ખાસ વાતચીત કરી હતી.
સામૂહિક આત્મહત્યા કે આત્મહત્યા પાછળના અનેક કારણો જવાબદાર છે. આ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જેને નિવરમાં માટે વ્યક્તિએ મનોચિકિત્સકનો સંપર્ક કરવો જોઈએ ન કે હતાશ થવું જોઈએ. વ્યક્તિ કોઈ પરિસ્થિતિમાં તણાવમાં હોય તો રાજ્ય સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર સંપર્ક કરી મદદ માંગી શકે છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ નજીકન મિત્ર કે સંબંધી સાથે વાતચીત કરવી જોઈએ... ડો.યોગેશ પટેલ (મનોચિકિત્સક )
દેખા દેખીનો જમાનો : શહેરના જાણીતા મનોચિકિત્સક ડો. યોગેશ પટેલે જણાવ્યું હતું કે, હાલમાં એક માસ હિસ્ટેરીયા જેવું થઇ રહ્યું છે કે, જ્યારે માણસની જીવનની વેદના જીવન કરતા પણ આકરી લાગતી હોય, ત્યારે વેદનામાંથી મુક્તિ મેળવવા માટે માણસ આપઘાતથી મૃત્યુને સ્વીકારે છે. હાલમાં આવી ઘટનાઓ માટે દેશ અને સમાજમાં એક એવી પ્રથા ચાલી રહી છે કે એકે કર્યું તો આપડે કરવું પડે. સાથે સોશિયલ મીડિયાના વધતો પ્રભાવના કારણે આવી બાબતોને જોઈને કેટલાક આ બાબતનો વિચાર કરનારા લોકો પ્રેરિત થતા હોય છે.
સામાન્ય પરિવાર ખર્ચને પહોંચી શકતો નથી : વધુમાં જણાવ્યું હતું કે, પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ કર્યું છે. કારણ કે આ સંસ્કૃતિમાં તો બાળક 18 વર્ષનું થાય ત્યારે ઘરની બહાર મોકલી દેતા હોય છે, ત્યારે માતાપિતાની જવાબદારી રહેતી નથી. આજના સમયમાં બાળકોના સ્વભાવના કારણે ઘણા વાલીઓને આત્મજ્ઞાન કરાવે છે, જેથી આવા બનાવો બને છે. આજે બાળકોના મોજશોખ, ભણાવવા માટે ફી ન હોવાથી ભણાવી નથી શકતા ને ભણાવવા માટે પિતા ખૂબ દેવું કરી ગમે ત્યાથી પૈસા લાવી ભણાવે છે. આજે ભાઈ ભાઈને કોઈ મદદ કરવા તૈયાર નથી. આજે બાપ દીકરા અલગ રહે છે. આ રીતે ખર્ચમાં વધારો થયો છે.
સમાજ બે દિશામાં જઈ રહ્યો છે : આજે ગ્રોથ દેખાય છે, પણ બધું જ બૉરોડ ઇકોનોમી છે. બધું જ હપ્તા પર હોય ત્યારે પગારની સરખામણીએ પોહચી શકાતું નથી. આના કારણે મધ્યમવર્ગીય પરિવાર પીસાઈ રહ્યો છે. આજે મધ્યમવર્ગનો પરિવાર ગરીબી તરફ જઈ રહ્યો છે અને અપર કલાસ પૈસા વાળો થયો છે. આજે એક માઇનોર કમ્યુનિટીમાં આત્મહતાના બનાવો ઓછા થાય છે, તે જોવા જેવી બાબત છે. તેઓ સમૂહમાં ભોજન કરે છે. આગળ જતાં આ હેટ ક્રાઇમ વધવાનો છે, તે આજે લોકો સમજતા નથી. આ ખરેખર સમજવા જેવી બાબત છે.
પરિવારની કૌટુંબિક ભાવના ન રહી : વધુમાં કહ્યું કે પહેલાના જમાનામાં ભાઇઓ સંયુક્ત પરિવારમાં રહેતા હતા.જેથી એકાદ ભાઇ મૃત્યુ પામે તો તેના સંતાનો અને પત્ની સચવાઇ જતા હતા. તેમનું ભરણપોષણ અને ભણવા સહિતની વ્યવસ્થા બીજા ભાઇઓ કરતા હતા. પહેલા સંયુક્ત કુટુંબની ભાવના હતી, પરંતુ હવે કુંટુંબો વિભક્ત થઇ ગયા છે. જેથી ચારેય બાજુથી માણસ ઘેરાયેલો હોય અને મનોવેદનામાં પીડાઇ રહ્યો હોય, ત્યારે ઘરમાં ચર્ચા કરે અને બ્રેઇન વોશિંગ કરે કે, મારા પછી આ દુનિયા જીવવા માટે અઘરી થઇ જશે. સંયુક્ત પરિવારના કારણે એકલતાનો અનુભવ થતો ન હતો.
સામૂહિક આત્મહત્યામાં 6 મહિનામાં 10ના મોત : વડોદરા શહેરમાં છેલ્લા 6 મહિનામાં સામૂહિક આત્મહત્યા અને હત્યાના 4 બનાવ સામે આવ્યા છે. જેમાં વર્ષની શરૂઆતમાં 22 જાન્યુઆરી-2023ના રોજ શહેરમાં 30 વર્ષનો પ્રીતેશ પ્રતાપભાઇ મિસ્ત્રી શેર બજારમાં કામ કરતો હતો. પ્રિતેશ દર્શનમ ઉપવનના ડુપ્લેક્સ ફલેટમાં 7 વર્ષના પુત્ર અને 32 વર્ષની પત્ની સ્નેહાબેન સાથે રહેતો હતો. 22 જાન્યુઆરીએ રાત્રે પ્રીતેશે પુત્ર અન પત્નીનું ઓશિકાથી મોં દબાવી હત્યા કર્યાં બાદ ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. ત્યારબાદ 30 જૂન-2023ના રોજ શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ શિવાલય હાઈટ્સમાં રહેતા આશિષ માનેએ પત્ની આરતી માનેની હત્યા કરીને પોતે આપઘાત કર્યો હતો. જેમાં પુત્ર બચી ગયો હતો.
છેલ્લા 31 દિવસમાં 3 બનાવ : આ ઘટના 12 દિવસ બાદ એટલે કે 12 જુલાઇ-2023ના રોજ શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ અક્ષતા સોસાયટીમાં રહેતા દક્ષા ચૌહાણે 2 પુત્રીની હત્યા કરી નાખી હતી અને બીજા દિવસે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં દક્ષાબેનનો બચાવ થયો હતો. બાદમાં 1 ઓગસ્ટ-2023ના રોજ વહેલી સવારે શહેરના પિરામિતાર રોડ પર આવેલ કાછિયા પોળમાં પંચાલ પરિવારે સામૂહિક આપઘાત કર્યો, જેમાં પરિવારમાં માતાપિતા અને યુવાન પુત્રનું મોત થયુ હતું.