વડોદરા : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમની બે દિવસીય પ્રદર્શની કાર્યક્રમ શહેરની ઊર્મિ સ્કૂલમાં આયોજિત કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દેશમાં પહેલીવાર વડોદરામાં મન કી બાતના 99 એપિસોડની પ્રદર્શની યોજાઈ રહી છે. આ પ્રદર્શનીનું સાંસદ રંજનબેન ભટ્ટ અને તેમની ટીમે આયોજન કર્યું છે. આ આયોજન શહેરના સમા વિસ્તારમાં આવેલ ઊર્મિ સ્કૂલમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સાંસદ અને ટીમની અથાગ મહેનત : દેશના વડાપ્રધાન દ્વારા દર માસના અંતિમ રવિવારે મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે. અત્યાર સુધીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 99 મન કી બાત કરવામાં આવી છે અને આગામી 30 એપ્રિલના રોજ મન કી બાતના 100માં એપિસોડની ઉજવણીના ભાગરૂપે પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શની તૈયાર કરવા માટે સાંસદ રંજનબેન ભટ્ટ અને તેમની 30 થી વધુ સભ્યોની ટીમ સતત 10 દિવસથી મહેનત કરી રહી હતી. આ પ્રદર્શનીમાં પી એમ મોદીના મન કી બાતના 99 એપિસોડના મહત્ત્વના અંશોના ફોટોગ્રાફ સાથેની માહિતી મુકી પ્રદર્શન આગામી બે દિવસ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે.
આ પણ વાંચો PM salutes Snehlata: PMએ અંગોનું દાન કરવા બદલ સ્વર્ગસ્થ સ્નેહલતા ચૌધરીની ભાવનાને કરી સલામ
સાંસદ રંજનબેન ભટ્ટની પ્રતિક્રિયા : આ અંગે પ્રતિક્રિયા આપતા સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 03/10/2014 ના રોજથી મનકી બાત કાર્યક્રમ દ્વારા પોતાના મનના વિચારોને દેશ વાસીઓ વચ્ચે મુક્યા હતા. આગામી 30 એપ્રિલના રોજ 100મી મનકી બાત થવા જઈ રહી છે જેના અનુસંધાને આગામી વડાપ્રધાનની 99 મનકી બાતના વિચારોની જે કઈ વાત થઈ છે તે એકએક વાત સાંભળીને તેને આ પ્રદર્શનીમાં રજુ કરવામા આવી છે.
નવું કરવા માટે જાણીતી નગરી : ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, વડોદરા સંસ્કારનગરી છે અને તેની સાથે કંઇક નવું કરવા માટે જાણીતી નગરી છે. વડાપ્રધાને મન કી બાતના 99 એપિસોડમાં શું કર્યું છે તે પ્રદર્શની અને ઇ બુકના માધ્યમથી દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. જે લોકોએ મન કી બાતની પ્રદર્શની તૈયાર કરી છે, તે સાંસદ રંજનબેન ભટ્ટ, આગેવાનો અને કાર્યકરોનો હું અભિનંદન આપું છું અને આભાર માનુ છું. વડાપ્રધાન મોદીએ મન કી બાતના 99 એપિસોડ પૂર્ણ કર્યાં છે. હું મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપુ છું.
આ પણ વાંચો Pariksha Pe Charcha પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓએ કરી 'મન કી બાત', CM જોડાયા
મોડાસામાં 100માં એપિસોડની વિશેષ તૈયારી થઇ : આખી દુનિયામાં કોઈ પણ દેશના વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ દ્વારા આવો પ્રયાસ નથી કરાયો, દુનિયાના પહેલા વડાપ્રધાન છેે જેમણેે આવો પ્રયાસ કર્યો છે અને આ જ એમની પોઝિટિવીટી અને ક્રિએટીવિટી છે. મન કી બાતના 99 એપિસોડ પ્રેરણાદાયક પુરવાર થશે. વડાપ્રધાન મોદીના મન કી બાતના 100માં કાર્યક્રમને લઈને મોડાસામાં 4 હજાર લોકોના કાર્યક્રમનું આયોજન કરાયું છે. આ ઉપરાંત વડોદરામાં બગીચાઓમાં અને સોસાયટીઓમાં આ કાર્યક્રમ થશે. રાજકોટ અને સુરત સહિત રાજ્યભરમાં આ કાર્યક્રમ યોજાશે.
એમએસ યુનિવર્સિટીનો સહકાર : આ પ્રદર્શનની તૈયારી કરવામાં એમ એસ યુનિવર્સિટીના 35 થી 40 યુવાનો દ્વારા સાથે મળીને 10 દિવસ સુધી સતત મહેનત કરીને તૈયાર કર્યું છે અને આજે આ પ્રદર્શની તૈયાર કરી છે. આ તમામ મન કી બાતની એક વોલ બનાવવામાં આવી છે અને પ્રદર્શની મુકવામાં આવી છે. જેનું ઉદ્ઘાટન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રદર્શનીની ઇ બુક પણ બનાવવામાં આવી છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે ફિઝિકલ બુક પણ બનાવી છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
કોની કોની ઉપસ્થિતિ : આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ, વિધાનસભા દંડક બાલકૃષ્ણ શુક્લા સાથે મેયર, ધારાસભ્યો સહિત કોર્પોરેટર અને મોટી સંખ્યામાં આ પ્રદર્શની નિહાળવા મટે લોકોની ઉપસ્થિતિ રહી હતી.