વડોદરા : હાલમાં વેકેશન પૂર્ણ થતાં બીજા સત્રની શરૂઆત થઇ છે. જેને લઇને શાળા કોલેજો શરૂ થઈ ગઇ છે. ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ કન્સેશન પાસ કઢાવવા માટેની મોટી - મોટી કતારો જોવા મળી રહી છે. ત્યારે વડોદરા જિલ્લામાં એસટી નિગમનો અંધેર વહીવટ સામે આવ્યો છે. વડોદરા જિલ્લાના ડભોઇ, કરજણ, પાદરા જેવા એસટી ડેપો ખાતે વિદ્યાર્થીઓને કન્સેશન પાસ કઢાવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
નવું સોફ્ટવેર મુશ્કેલી લાવ્યું : કેટલાક એસટી ડેપોમાં પાસ કાઢવાની પ્રક્રિયા પણ ઠપ કરી દેવામાં આવી હતી અને વિદ્યાર્થીઓએ પોતાનું ભણતર છોડીને બે થી ત્રણ દિવસ સુધી લાઈનોમાં ઊભા રહીને પણ પાસ નીકળતા નથી. જાણવા મળતી માહિતી મુજબ એસટી નિગમ દ્વારા નવું સોફ્ટવેર મૂકવામાં આવ્યું છે જ્યારે એ સોફ્ટવેરમાં વિદ્યાર્થીઓની જેતે શાળા કે કોલેજનું નામ ન આવતા આવા વિદ્યાર્થીઓએ ફરી બીજે દિવસે લાંબી કતારમાં ઉભું રહેવું પડે છે.
કર્મચારીઓે આપે છે ઉદ્ધત જવાબ : જાણવા મળતી માહિતી મુજબ એસટી નિગમના એસટી ડેપો ઉપર ફરજ બજાવતા કેટલાક કર્મચારીઓ વિદ્યાર્થીઓ સાથે ઉદ્ધત જવાબ આપતા હોવાનું જાણવા મળ્યું હતું. વડોદરા જિલ્લામાં વિદ્યાર્થીઓ બીજા સત્રની સાથે જ પાસ કરવા માટે લાંબી કતારમાં ઊભા રહેતા હોય છે. પરંતુ કેટલીક વાર એસટી નિગમમાં ટેકનીકલ ખામીના કારણે વિદ્યાર્થીઓને પાસ કઢાવી શકતા નથી. ત્યારે તેનો ક્રોધ કેટલાક કર્મચારીઓ વિદ્યાર્થીઓ ઉપર ઠાલવતા હોય છે. ભાવિ પેઢી ગણાતા આ વિદ્યાર્થીઓને તેઓ ઉદ્ધત જવાબ આપતા હોવાનું બહાર આવ્યું છે.
દરેક એસટી ડેપો પર એક જ કાઉન્ટર : જાણવા મળતી વિગત મુજબ જૂન મહિનામાં અને નવેમ્બર મહિનામાં શૈક્ષણિક ક્ષત્ર શરૂ થતું હોય ત્યારે એસટી નિગમના કર્મચારીઓ કન્સેસન પાસ કરાવવા માટે માત્ર એક જ કાઉન્ટર ઉભા કરતા હોય છે. જેને લઈને પણ વિદ્યાર્થીઓને ભારે હાલાકી વેઠવી પડે છે. જો આવા સમયમાં બે કાઉન્ટર ઉભા કરવામાં આવે તો સરળતાથી અને ઝડપથી વિદ્યાર્થીઓ કન્સેશન પાસ કરાવી શકે. વહીવટી તંત્ર આ અંગે કોઈ વ્યવસ્થા ઉભી કરે તેવી લોક માંગ ઉઠાવા પામી છે. તેમજ વિદ્યાર્થીઓ સાથે યોગ્ય વર્તન કરે તેવા સૂચનો કરવા જોઈએ.