ગુજરાત જનતા જાગૃતિ મંચ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં કોન્ટ્રાક્ટ કર્મચારીઓ દ્વારા યુપીએચસી પર કોન્ટ્રાક્ટથી ફરજ બજાવતા સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, ફિમેલ હેલ્થ વર્કર અને પબ્લિક હેલ્થ વર્કરને કાયમી કરી જોબ સિક્યોરિટી આપવી, કોન્ટ્રાક્ટ પ્રથા નાબુદ કરવી, કાયમી ભરતીમાં વીએમસીના કર્મચારીઓને પ્રાથમિકતા આપવી અને ઉમરમાં છુટછાટ આપવા જેવી માંગણીઓ સાથે ધરણા કરી અને સૂત્રોચ્ચાર કર્યા હતા અને આ અંગે મેયર અને કમિશ્નરને ૨જૂઆત કરી હતી.
ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત સોલંકીએ સરકારની શોષણભરી નીતિઓ ઉપર પ્રહાર કરતા કહ્યું કે, નિષ્પક્ષ રીતે પરીક્ષાઓ કરાવી નોકરી આપવામાં નિષ્ફળ ગયેલ ગુજરાત સરકાર ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા સુધી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી રોજગારી આપી બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહી છે.
અમારો ઉદ્દેશ્ય ગુજરાતના તમામ યુવાનોને સંગઠિત કરી આ શોષણભરી નીતિઓ નાબુદ કરાવવાનો અને દલાલ કોન્ટ્રાક્ટરથી મુક્ત કરાવવાનો છે અને એ માટે અમારી ટીમ સતત લડત આપી રહી છે . વીએમસી આ બાબતે યોગ્ય નિર્ણય લેશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી .